ખેરડીમાં સગીરા અને મારવાડી સોસાયટીમાં પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું
શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતીએ સાથે નોકરી કરતાં યુવાન વિરૂધ્ધ બે વર્ષ પહેલા છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં કોર્ટના ધક્કાથી કંટાળી યુવતીએ ફિનાઈલ પી લીધું હોવાના આક્ષેપ સાથે યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગોપાલનગરમાં રહેતી 22 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના અઢી વાગ્યાના સમયે ફિનાઈલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં યુવતી બે વર્ષ પહેલા જ્યાં નોકરી કરતી હતી ત્યાં સાથે કામ કરતાં હિમાંશુ નામના શખ્સે અડપલા કર્યા હતાં. જે અંગે યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જે છેડતીના કેસમાં કોર્ટના ધક્કાથી કંટાળી યુવતીએ ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં શહેરની ભાગોળે ઢાંઢણી ગામે રહેતી રિધ્ધિબેન રમેશભાઈ સરીયા નામની 15 વર્ષની સગીરા ખેરડી ગામે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જ્યારે રૈયાધાર વિસ્તારમાં મારવાડી સોસાયટીમાં રહેતી રેખાબેન મુકેશભાઈ ચૌહાણ નામની 21 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર કીડી મારવાનો ચોક ખાઈ લીધો હતો. સગીરા અને પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
