ગુજરાત
મનીલેન્ડના ગુનામાં આરોપીની ડિસ્ચાર્જ કરવાની રિવિઝન અરજી મંજૂર કરતી કોર્ટ
રાજકોટમાં મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે જમના પાર્ક શેરી નં. 8માં રહેતા મીઠાઈના ધંધાર્થી પંકજ બચુભાઈ પાંભરે મહેન્દ્ર ઉર્ફે વિનુભાઈ ભોળાભાઈ વેકરીયા સામે બી-ડીવીઝન પોલીસમાં વ્યાજની ફરિયાદ નોંધાવી હતી. તેમાં પંકજ પાંભર ધંધા માટે મહેન્દ્ર વેકરીયા પાસેથી ₹20 લાખ 3 ટકાના વ્યાજે લીધા હતા અને ગુંદા ગામની જમીનનો દસ્તાવેજ મહેન્દ્ર વેકરીયાના નામનો કરી આપ્યો હતો, બાદ કોરોનાને કારણે ધંધો ઠપ થવાથી વ્યાજ કે મુદલ ભરી શકયા ન હતા, તેથી મહેન્દ્ર વેકરીયા ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા નાણાની સગવડ કરી પંકજ પાંભરે નાણા લઈને મહેન્દ્ર વેકરીયા પાસે જઇ દસ્તાવેજ રદ કરી આપવા જણાવતાં મહેન્દ્ર વેકરીયા એ પંકજ પાંભરને કહેલ કે, મારે પૈસા જોતા નથી અને જમીન પણ ભુલી જાજો અને જો ફોન કર્યો તો જાનથી મારી નાખીશ.
પોલીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ થતાં અદાલત દ્વારા ગુનાનો કોગ્નીજન્સ લઈ આરોપી સામે કેસ શરૂૂ કરવા મુદત મુકરર કરેલી. આરોપી મહેન્દ્ર ઉર્ફે વિનુભાઈ વેકરીયાએ ગુનામાંથી છોડી મુકવા ડિસ્ચાર્જ અરજી કરી હતી, આ ડિસ્ચાર્જ અરજીમાં જણાવેલ કે, ગુંદાની જમીનનો વેચાણ દસ્તાવેજ થયેલ છે તે વેચાણ દસ્તાવેજ રદ કરવા 2019માં દાવો કરવામાં આવ્યો હતો. આથી મહેન્દ્ર વેકરીયાએ કરેલી ડિસ્ચાર્જ અરજી નીચેની ફોજદારી અદાલતે કોઈ પણ જાતના કારણો આપ્યા સિવાય રદ કરી હતી, સદરહું ચુકાદા સામે મહેન્દ્ર વેકરીયાએ સેશન્સ અદાલત સમક્ષ રીવીઝન અરજી દાખલ કરેલી. જે રીવીઝન અરજી ચાલી જતા સેશન્સ કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો ખોટો અને ભુલ ભરેલો ઠરાવી આરોપી મહેન્દ્ર ઉર્ફે વિનુભાઈ ભોળાભાઈ વેકરીયાને આ ગુનામાંથી ડિસ્ચાર્જ કરી છોડી મુકવાનો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી વતી વિદ્વાન ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી તથા ભાર્ગવ એ. પાનસુરીયા રોકાયા હતા.