ગુજરાત
ચકચારી હત્યા કેસમાં રાજભા સતુભા જાડેજાને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
જમીનના વિવાદમાં અપહરણ કરી ખૂની ખેલ ખેલી લાશ માધાપર નજીક ફેંકી દેવાના કેસમાં ધરપકડ થઈ’ તી
શહેરના કાલાવડ રોડ પર વર્ષ 2023 માં જમીનના મામલે ગરાસીયા યુવાન નું અપહરણ કરી માર મારી મોતને ઘાટ ઉતારી માધાપર ગામ નજીક રેલવે ફાટક પાસે લાશને ફેંકી દેવાના ગુનાનો ચકચારી કેસ ચાલી જતા રાજકોટની અદાલતે રાજભા સતુભા જાડેજા ને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ એજી સોસાયટીમાં રહેતા જયપાલસિંહ કિશોરસિંહ ઝાલા નામના યુવાનનું 7/5/13ના. રોજ કોઠારીયા રોડ પર નીલકંઠ સિનેમાની સામે રહેતા રાજભા સતુભા જાડેજા નામના શખ્સે અપહરણ કરી માર મારી મોતને ઘાટ ઉતારી લાશને માધાપર ગામ નજીક રેલવે ફાટક પાસે ફેંકી દીધાની મૃતકના પિતા કિશોરસિંહ નવલસિંહ જાડેજાએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મૃતક જયપાલસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ સતુભા જાડેજાને પડધરી તાલુકાના નારણકા ગામની જમીનના વિવાદમાં જયપાલસિંહ ઝાલાનુ કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસેથી અપહરણ કરી માધાપર ગામ નજીક ગોંધી રાખી માર મારી મોતને ઘાટ ઉતારી રેલવે ફાટક પાસે લાશને ફેંકી દીધાનું ખુલતા પોલીસે રાજભા સતુભા જાડેજાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતુ. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો હોવાથી આરોપી છોડી શકાય નહીં જ્યારે બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં એક જ આરોપી કાવતરું ધડવું, અપહરણ કરવું, માર મારી અને મોતને ધાટ ઉતારી લાશને ફેંકી દેવીએ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી તેમજ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓ રજુ કરવામાં આવ્યા હતા.
બચાવ પક્ષની દલીલ અને ચુકાદાઓથી સહમત થઈ અધિક સેશન્સ જજ શર્માએ આરોપી રાજભા સતુભા જાડેજાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના બચાવ પક્ષે પી.એમ. શાહ લો ફર્મના એડવોકેટ પિયુષભાઈ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીતેશભાઈ કથીરિયા, નિવિદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, વિજયભાઈ પટગીર, ચિરાગભાઈ શાહ, આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઈ વાળા, ચિરાગભાઈ સંચાણિયા, વિમલ એચ. ભટ્ટ, મનિષ સી. પાટડીયા, પી.જી. મૂલીયા, એ.એચ. કપાસી, ઋષિલ દવે રોકાયેલા હતા.