ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને પડતર માંગણીઓને લઈને કાલે તા.30 સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન દ્રારા રાજકોટના ત્રિકોણ બાગ ખાતે ‘કિસાન અધિકાર ધરણાં’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર શુક્રવારે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી યોજાનારા આ ધરણાંમાં ખેડૂતોના હિત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. આ કાર્યક્રમમાં અમિતભાઈ ચાવડા પણ જોડાવાના હોવાથી ખેડૂતો, આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, પ્રમુખઓ તેમજ ફ્રન્ટલ સેલ અને વિવિધ વિભાગોના સભ્યોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહશે.
ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી બિયારણ, ખાતર, સિંચાઈ, પાકના પોષણક્ષમ ભાવ, પાક વીમો અને દેવા સહિતના વિવિધ પ્રશ્નોનો સામનો કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને ખેતી માટે જરૂૂરી સામગ્રી મોંઘા ભાવે ખરીદવી પડે છે, જ્યારે ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મેળવવામાં પણ મુશ્કેલીઓ પડતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. નકલી અને ભેળસેળયુક્ત બિયારણ તથા ખાતરના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડતું હોવાનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
બીજી તરફ, ખેતીમાં ભારે ખર્ચ કર્યા બાદ ખેત ઉત્પાદનોના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની આવક પર અસર થતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કુદરતી આપત્તિઓ અને અનિયમિત વરસાદ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને પૂરતું વળતર મળતું ન હોવાની ફરિયાદો પણ કરવામાં આવી રહી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખેડૂતોના અધિકારો અને તેમના આર્થિક હિતોના રક્ષણ માટે કિસાન અધિકાર ધરણાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આંદોલન અંતર્ગત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ તથા તાલુકાઓમાં વરસાદ થયો નથી, તે વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. વરસાદના અભાવે ખેતી અને પાકને નુકસાન થયું હોય તેવા વિસ્તારોમાં ખેડૂતોને રાહત મળે તે માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી રજૂઆત કરવામાં આવશે.ખેડૂતોને આર્થિક નુકસાન સામે રક્ષણ મળી રહે તે માટે પાક વીમા યોજના તાત્કાલિક શરૂૂ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. પાક નિષ્ફળ જવાની અથવા કુદરતી આપત્તિના કારણે નુકસાન થવાની પરિસ્થિતિમાં ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે દિશામાં કાર્યવાહી કરવાની માગ ઉઠાવવામાં આવશે.
ખેતીની જમીનમાં વીજળીના થાંભલા નાખવામાં આવ્યા હોય તેવા ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવાની માંગ પણ આંદોલનના મુખ્ય મુદ્દાઓમાં સામેલ છે. વીજળીના થાંભલા અને સંબંધિત માળખાંને કારણે ખેતીની કામગીરી તથા જમીનના ઉપયોગ પર અસર થતી હોય તો ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવશે.
આ ઉપરાંત, ખેતી માટે જરૂૂરી સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે. પાણીના અભાવે ખેડૂતોને વાવેતર અને પાકની જાળવણીમાં મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની માગણી કરવામાં આવશે.ખેડૂતોની જમીનની ખોટી રીતે કરવામાં આવેલી માપણી રદ કરવાની તેમજ જમીન માપણી સંબંધિત ફરિયાદોનો યોગ્ય નિકાલ કરવાની માંગ પણ રજૂ કરવામાં આવશે. જમીનના રેકોર્ડ અને માપણીમાં થયેલી ભૂલોને કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે પારદર્શક પ્રક્રિયા અપનાવવાની જરૂૂરિયાત પર ભાર મૂકવામાં આવશે.
છેલ્લે, ખેડૂતોને દેવાના બોજમાંથી મુક્તિ અપાવવા માટે સંપૂર્ણ દેવા માફીની માંગણી કરવામાં આવી છે. ખેતીના વધતા ખર્ચ, પાકના ભાવ અને કુદરતી પરિબળોને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને રાહત આપવા માટે સરકાર નક્કર નિર્ણય લે તેવી માગ ઉઠાવવામાં આવશે.
