કાલથી PM મોદી ગુજરાતમાં: જાહેરસભા-લોકાર્પણ-એકતા પરેડ સહિતના કાર્યક્રમો

PM નરેન્દ્ર મોદી કાલે 30 અને 31 ઓક્ટોબરના રોજ બે દિવસીય સત્તાવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન PM ઉત્તર ગુજરાતથી લઈને…

PM નરેન્દ્ર મોદી કાલે 30 અને 31 ઓક્ટોબરના રોજ બે દિવસીય સત્તાવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન PM ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ બનાસકાંઠાના ભીલડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) કેવડિયા ખાતે અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ઙખના આગમનને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે બનાસકાંઠા જિલ્લાના ભીલડીથી બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે નિર્માણ પામનાર બે નવા બાયો-સીએનજી ( Bio-CNG) પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ બાયો-સીએનજી પ્લાન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પશુઓના ગોબરમાંથી સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખાતર (ઓર્ગેનિક ફર્ટિલાઇઝર) બનાવવાનો છે, જેથી પશુપાલકો માટે વધારાની આવક ઊભી કરી શકાય. પ્રખ્યાત ’બનાસ મોડલ’ હેઠળ, પશુપાલકો પાસેથી સીધું જ ગોબર ખરીદવામાં આવે છે અને તેનું પ્રોસેસિંગ કરીને તેમાંથી બાયો-સીએનજી અને જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે. આ રીતે ઉત્પન્ન થતા બાયો-સીએનજીનો ઉપયોગ વાહનોના ઈંધણ તરીકે થાય છે, જ્યારે પ્રોસેસિંગ બાદ વધેલી રબડી (સ્લરી) માંથી ઘન અને પ્રવાહી સ્વરૂૂપનું ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે, જે માર્કેટમાં ’ભૂમિ અમૃત’ બ્રાન્ડ નેમ હેઠળ વેચાય છે.

બનાસ ડેરી હાલમાં રોજના આશરે 6,100 કિલો બાયો-સીએનજીનું વેચાણ કરે છે. આ બાયો-સીએનજી બજારમાં મળતા પરંપરાગત સીએનજી કરતા સસ્તા દરે ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે, જે વાહનચાલકો માટે પણ આર્થિક રીતે ફાયદાકારક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ

કાલે સવારે 8:45 કલાકે: ડીસા એરપોર્ટ આગમન.
સવારે 9:10 કલાકે: ભીલડી ખાતે આગમન અને BBBRC કેટલ ફાર્મ તથા ET IVF લેબની વિશેષ મુલાકાત.
સવારે 10:30 કલાકે: ભીલડી ખાતે ભવ્ય જાહેર સભા, જ્યાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ પીએમ જનસભાને સંબોધશે.
બપોરે 12:00 કલાકે: ભીલડીથી ગાંધીનગર રાજભવન માટે રવાના.
બપોરે 1:00 થી 4:00 કલાક: ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ અને રાજકીય તથા સંગઠનના આગેવાનો સાથે બેઠકો/મુલાકાત.
સાંજે 4:00 કલાકે: ગાંધીનગરથી હેલિકોપ્ટર/વિમાન દ્વારા કેવડિયા જવા રવાના.
સાંજે 5:00 કલાકે: કેવડિયા આગમન અને ભારત પર્વ પેવેલિયન તથા રેન ફોરેસ્ટ, વમન વૃક્ષ વાટિકા વગેરેની મુલાકાત.
સાંજે 6:00 કલાકે: કલ્ચર ગ્રાઉન્ડ ખાતે ’આનંદ મઠ’ નાટકમાં ઉપસ્થિતિ.
સાંજે 7:45 કલાકે: એકતા પ્રકાશ પર્વમાં હાજરી.
રાત્રે 8:15 કલાકે: વિશ્વપ્રસિદ્ધ નર્મદા ઘાટ પર નર્મદા આરતીમાં ભાગ લેશે. (રાત્રિ રોકાણ કેવડિયા નર્મદા ખાતે રહેશે.)
પ્રવાસના બીજા દિવસે, 31 ઓક્ટોબરના રોજ પીએમ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહમાં ભાગ લેશે:
સવારે 9:00 કલાકે: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપશે.
સવારે 9:15 કલાકે: કેવડિયાના વિવિધ નવા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
સવારે 9:40 થી 10:10 કલાક: રેન ફોરેસ્ટ અને વમન વૃક્ષ વાટિકાની મુલાકાત.
સાંજે 5:30 કલાકે: ભવ્ય ’એકતા દિવસ’ની રાષ્ટ્રીય ઉજવણીમાં વિશેષ ઉપસ્થિતિ અને પરેડમાં સહભાગી બનશે.
મોડી સાંજે 7:40 કલાકે: કેવડિયાથી વડોદરા એરપોર્ટ માટે રવાના.
રાત્રે 9:10 કલાકે: વડોદરા એરપોર્ટથી વિશેષ વિમાન દ્વારા દિલ્હી પરત જવા રવાના થશે.