રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. જિલ્લા પંચાયત હેઠળ આવતી કુલ 595 ગ્રામપંચાયતો પૈકી 560 ગ્રામપંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાવાની છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની આખરી સહી બાદ ટૂંક સમયમાં રોટેશન લિસ્ટ સત્તાવાર રીતે જાહેર થવાની શક્યતા છે. રોટેશન લિસ્ટ જાહેર થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાવાની શક્યતા છે.
રાજકોટ જિલ્લાની 560 ગ્રામપંચાયતો હેઠળ કુલ 4,560 વોર્ડનો સમાવેશ થાય છે. આ તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે. સરપંચની ચૂંટણી માટે કુલ 1,176 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યાં છે, જ્યારે મતદાન માટે 1,410 બેલેટ પેટીઓ મોકલવામાં આવશે. સરપંચની સાથે વોર્ડવાઇઝ સભ્યોની પણ ચૂંટણી યોજાશે. આ માટે ચૂંટણી તંત્ર દ્વારા જરૂૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લાના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો ઉપલેટામાં 50, ગોંડલમાં 75, કોટડા સાંગાણીમાં 40, જસદણમાં 57, વીંછીયામાં 37, જેતપુરમાં 47, ધોરાજીમાં 28, જામકંડોરણામાં 44, લોધિકામાં 36, પડધરીમાં 58 અને રાજકોટ તાલુકામાં 88 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આ તમામ તાલુકાઓ મળીને કુલ 560 ગ્રામપંચાયતોનો સમાવેશ થાય છે. ચૂંટણીની તૈયારીઓના ભાગરૂૂપે રાજ્યના સ્ટેટ ઇલેક્શન કમિશનર ડો. એસ. મુરલી ક્રિષ્નાના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર અને અધિક કલેક્ટર પણ જોડાયા હતા.
280 મહિલાઓને સરપંચ બનવાની તક મળશે
ગ્રામપંચાયતની ચૂંટણીમાં 50 ટકા મહિલા અનામતના નિયમને પગલે રાજકોટ જિલ્લામાં અંદાજે 280 મહિલાઓને સરપંચ તરીકે નેતૃત્વ કરવાની તક મળી શકે છે. રોટેશન લિસ્ટ જાહેર થયા બાદ કઈ ગ્રામપંચાયતમાં મહિલા અનામત લાગુ પડશે તે સ્પષ્ટ થશે. આના પગલે ગ્રામ્ય રાજકારણમાં મહિલા ઉમેદવારોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બનશે.
