ભાવનગરમાં કોંગ્રેસનો રાજકીય મહાકુંભ: ચિત્રા ખાતે કાલે શક્તિ પ્રદર્શન સમાન ભવ્ય સ્નેહમિલન

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલે સાંજે 6 કલાકે ચિત્રા સ્થિત ઓમ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ પરિવારનું ભવ્ય સ્નેહમિલન અને સંગઠન સંકલ્પ મહાસંમેલન યોજાનાર છે. શહેર…

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલે સાંજે 6 કલાકે ચિત્રા સ્થિત ઓમ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ પરિવારનું ભવ્ય સ્નેહમિલન અને સંગઠન સંકલ્પ મહાસંમેલન યોજાનાર છે. શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમને લઈને સમગ્ર કોંગ્રેસ સંગઠનમાં જબરદસ્ત ઉત્સાહ અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રખર નેતા શક્તિસિંહ ગોહિલ મુખ્ય અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી કોંગ્રેસ પરિવારને સંબોધિત કરશે. કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કરવા અને આગામી રાજકીય લડત માટે કાર્યકરોને એકજૂથ કરવાનો આ કાર્યક્રમ મુખ્ય હેતુ માનવામાં આવી રહ્યો છે.

કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો, શહેર અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો, પૂર્વ પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો, બુથ સ્તરે કામગીરી સંભાળતા કાર્યકરો, મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ, સેવાદળ તેમજ પક્ષ માટે સતત મેદાનમાં સક્રિય હજારો કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજરી આપશે.

શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસનો દરેક કાર્યકર પક્ષની સૌથી મોટી શક્તિ છે. જનતાના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરનાર અને સંગઠનને જીવંત રાખનાર કાર્યકરોને એક મંચ પર લાવી સન્માનિત કરવાનો આ એક પ્રયાસ છે. કોંગ્રેસ પરિવાર વચ્ચે એકતા, આત્મીયતા અને વિશ્વાસ વધુ મજબૂત બને તે હેતુથી આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ દરમિયાન રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ વર્તમાન રાજકીય પરિસ્થિતિ, ગુજરાતમાં જનહિતના મુદ્દાઓ, લોકશાહી પરિસ્થિતિ અને કોંગ્રેસની આગામી રાજકીય દિશા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપશે. તેમના સંબોધનને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં વિશેષ આતુરતા જોવા મળી રહી છે.

કોંગ્રેસના સૂત્રો મુજબ સમગ્ર ઓમ પાર્ટી પ્લોટને કોંગ્રેસના ધ્વજ, બેનરો અને સ્વાગત તોરણોથી કોંગ્રેસમય બનાવવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાર્યકરોના કાફલા કાર્યક્રમ સ્થળે પહોંચશે અને વિશાળ જનમેદની ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ ઉપસ્થિત આગેવાનો, મહાનુભાવો અને કાર્યકરો માટે ભોજનની વિશેષ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ભાવનગર શહેરમાં યોજાનાર આ સ્નેહમિલન હવે માત્ર એક રાજકીય કાર્યક્રમ નહીં પરંતુ કોંગ્રેસની સંગઠનાત્મક એકતા, કાર્યકરોના આત્મવિશ્વાસ અને આવનારી રાજકીય લડતના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે.