વલ્લભીપુરમાં પ્રાચીન મેલોલાઈટ પથ્થર, પાકી ઈંટોના બાંધકામ મળ્યા

ઉત્ખનનમાં મળેલી વસ્તુઓનું આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18મી મેના રોજ વોટસન મ્યુઝિયમ ખાતે ફોટો પ્રદર્શન ઉત્ખનન દરમિયાન મળેલા તાંબાના સિક્કા, સીલ, શંખ, બંગડીઓ પાંચમી સદીની હોવાનું…

ઉત્ખનનમાં મળેલી વસ્તુઓનું આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18મી મેના રોજ વોટસન મ્યુઝિયમ ખાતે ફોટો પ્રદર્શન

ઉત્ખનન દરમિયાન મળેલા તાંબાના સિક્કા, સીલ, શંખ, બંગડીઓ પાંચમી સદીની હોવાનું અનુમાન

ભાવનગર જિલ્લાના પ્રાચીન સ્થળ વલ્લભીપુર ખાતે ચાલી રહેલા પુરાતત્વીય ઉત્ખનનમાં આ પ્રદેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરતી અનેક નોંધપાત્ર શોધો મળી આવી છે. ઐતિહાસિક દસ્તાવેજોમાં વિદ્યાના મહાન કેન્દ્ર તરીકે જાણીતા વલ્લભીપુરનો ઉલ્લેખ ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગે પણ કર્યો હતો, જેમણે તેને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળા દરમિયાન શિક્ષણ અને ધર્મની મહત્વની વિદ્યાપીઠ તરીકે વર્ણવ્યું હતું.

વલ્લભીપુરનું પુરાતત્વીય મહત્વ દાયકાઓથી વિદ્વાનો અને સંશોધકોને આકર્ષતું રહ્યું છે. અગાઉ આ સ્થળે ફાધર હેરાસ અને ત્યારબાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ.એસ. યુનિવર્સિટી), વડોદરા દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ શૈક્ષણિક વારસાને આગળ ધપાવતા, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), ઉત્ખનન શાખા-5, વડોદરા દ્વારા ડો. રેશમા સાવંત,( ડિરેક્ટર ઓફ એક્સવેશન) ડો સુદ્ધા શાહ ( કો ડિરેક્ટર ઓફ એક્સવેશન)ના માર્ગદર્શન હેઠળ મફત નગર પાસેના સંરક્ષિત સ્થળે વૈજ્ઞાનિક ઉત્ખનનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો.

આ દરમિયાન બે ખાઈ ખોદવામાં આવ્યા હતા, જેમાં મહત્વપૂર્ણ માટીના વાસણો અને પ્રાચીન વસ્તુઓ મળી આવી હતી, જેમાં ટોર્પિડો જારના ટુકડા, કાળા અને લાલ મૃદપાત્રો, કાળા પોલિશ કરેલા વાસણો, ટેરાકોટા પ્લેક, નંદીની મૂર્તિઓ, પથ્થરના મણકા અને શંખની બંગડીઓનો સમાવેશ થાય છે.આ શોધો વલ્લભીપુરની સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ હોવાનું દર્શાવે છે. જે બ્રાહ્મણ પરંપરા, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા પ્રભાવોની ઝાંખી કરાવે છે.

તાજેતરના ઉત્ખનનમાં પુષ્કળ માળખાકીય અવશેષો અને અત્યંત ઐતિહાસિક મૂલ્ય ધરાવતી પુરાતત્વીય સામગ્રી મળી આવી છે. દરબારગઢ ખાતે પકવેલી ઈંટોની દીવાલો ધરાવતા માળખાકીય લક્ષણો જોવા મળ્યા હતા, જ્યારે થાપનાથ ખાતે મેલોલાઈટ પથ્થર અને પકવેલી ઈંટોનો ઉપયોગ કરીને બનાવેલા બાંધકામો મળી આવ્યા છે.સંરક્ષિત સ્થળ પરના ઉત્ખનનમાં કાચી ઈંટોની દીવાલોની સાથે પકવેલી ઈંટોના માળખાકીય અવશેષો પણ મળી આવ્યા છે.

ઉત્ખનન દરમિયાન મોટી સંખ્યામાં પ્રાચીન વસ્તુઓ પણ મળી આવી છે, જેમાં તાંબાના સિક્કા, સીલ (મહોર) અને સીલિંગ, શંખની બંગડીઓ, તામ્રપત્રો, પથ્થરના મણકા, ટેરાકોટા પ્લેક અને રમત-ગમતના પાંસાનો સમાવેશ થાય છે. આ શોધો પ્રાચીન વલ્લભીપુરના શહેરી સ્વરૂૂપ, વ્યાપારી પ્રવૃત્તિઓ, કારીગરી અને ધાર્મિક વિવિધતા વિશે મહત્વની માહિતી આપે છે.

પ્રાથમિક અવલોકનો મુજબ, મળેલી સાંસ્કૃતિક સામગ્રી મુખ્યત્વે પાંચમીથી આઠમી સદી વચ્ચેના સમયગાળાની હોવાનું જણાય છે, જે મૈત્રક કાળ દરમિયાન વલ્લભીપુરના એક મહત્વપૂર્ણ શહેરી અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકેના મહત્વને દર્શાવે છે.

વલ્લભીપુરના ઐતિહાસિક ઘટનાક્રમ, સાંસ્કૃતિક ક્રમ અને શહેરી વિકાસને સમજવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ ઉત્ખનન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક વસાહત વિશેની સમજને વધુ ઊંડી બનાવવા માટે આગામી ઉત્ખનનના તબક્કામાં નવા ઓળખાયેલા સ્થળોએ વધુ પુરાતત્વીય સંશોધન અને ઉત્ખનન કરવાની દરખાસ્ત છે.

18મી મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 2026ની ઉજવણી નિમિત્તે, વલ્લભીપુર ઉત્ખનનમાંથી પસંદ કરાયેલ પ્રાચીન વસ્તુઓ અને મહત્વપૂર્ણ શોધો પ્રદર્શિત કરતું એક વિશેષ ફોટો પ્રદર્શન વોટસન મ્યુઝિયમ ખાતે આયોજિત કરવામાં આવશે. ઉત્ખનનનો તબક્કો હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવાથી, આ પ્રદર્શનનો હેતુ સાઇટ પરથી મળી આવેલી નોંધપાત્ર પુરાતત્વીય શોધોનું વ્યવસ્થિત ફોટો એક્ઝિબિશન યોજીને લોકોને આપણી પ્રાચીન સાંસ્કૃતિક વિરાસતના વૈભવથી માહિતગાર કરવાનો છે.

આ પ્રદર્શન સંશોધકો, ઈતિહાસકારો, પુરાતત્વ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને વલ્લભીપુરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝાંખી નિહાળવાની અને તેને સમજવાની અમૂલ્ય તક પૂરી પાડશે.
ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજી શોધો દ્વારા, મુલાકાતીઓ આ ઉત્ખનનનું પુરાતત્વીય મહત્વ અને આ પ્રદેશના ઐતિહાસિક વારસા વિશે વધુ ઊંડી સમજ મેળવશે. વલ્લભીપુરની આ શોધો પશ્ચિમ ભારતના મહત્વના ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્રોમાંના એક તરીકેના તેના મહત્વને ઉજાગર કરે છે. આ શોધ ગુજરાતના પ્રાચીન ભૂતકાળને સમજવામાં ઘણી ઉપયોગી બની રહેશે.