જેતપુર PGVCLના સામાનની ચોરી મામલે ત્રણ ઇજનેર સહિત છ સામે ફરિયાદ

જેતપુર સ્થિત પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ડિવિઝનલ ઓફિસ હેઠળ મોટો વીજ કૌભાંડ અને વિશ્વાસઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીજી વીસીએલની સરકારી મિલકતનો ગેરકાયદેસર અને…

જેતપુર સ્થિત પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ડિવિઝનલ ઓફિસ હેઠળ મોટો વીજ કૌભાંડ અને વિશ્વાસઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીજી વીસીએલની સરકારી મિલકતનો ગેરકાયદેસર અને અંગત આર્થિક લાભ ખાતર દુરુપયોગ કરી રૂૂ. 15,80,504.76 ની કિંમતના વીજ સામાનની સગેવગે કરવા બદલ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈજનેર સહીત કુલ 6 ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જેતપુર ડિવિઝનલ ઓફિસના કાર્યપાલક ઈજનેર વિપુલકુમાર લલીતકુમાર ભીમાણી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, મેસર્સ ઝોડીયાક પી.વી. સોલાર પ્રાઈવેટ લિમીટેડ તેમજ અન્ય નાગરિકો દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય અને જેતપુર વિભાગીય કચેરી ખાતે વીજ સામગ્રીના દુરુપયોગ અંગે લેખિત ફરિયાદો કરવામાં આવી હતી. આ ગંભીર ફરિયાદોના આધારે પીજીવી સીએલનાં કોર્પોરેટ ઓફિસ, રાજકોટ દ્વારા બે તબક્કામાં તપાસ સમિતિ ઓની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિના અહેવાલોમાં બહાર આવ્યું કે તારીખ 25 ફેબ્રુઆરી 2026 ના રોજ જેતપુર પેટા વિભાગીય કચેરીના તત્કાલીન નાયબ ઈજનેર જે.આર. વેલેરાએ અન્ય જુનિયર ઈજનેર કાજલબેન સોંદરવાના આઈ.ડી. નો ઉપયોગ કરીને મુવ ઓર્ડર નં. 26538165 બનાવ્યો હતો.

આ મુવ ઓર્ડરમાં,12.5 કિ.મી. લંબાઈનો અલ્ટ્રા-એલ્યુમિનિયમ એલોય કંડક્ટર (ડોગ) 30 નંગ એમ.એસ. ગર્ડર પોલ ,400 નંગ 11 કે.વી. પીન ઈન્સ્યુલેટર જેવો સરકારી માલસામાન સ્ટોરમાંથી ઈશ્યુ કરવામાં આવ્યો હતો. તપાસમાં વધુમાં ખુલાસો થયો છે કે ઈજનેર સહીતની ટોળકીએ પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી અન્ય અધિકારીઓના હોદ્દા અને આઈ.ડી. નો અનધિકૃત ઉપયોગ કર્યો હતો. અધિક્ષક હિસાબનીશ કે.કે. વાગડીયાએ નાયબ અધિક્ષક હિસાબનીશ ડી.એમ. સોલંકીના આઈ.ડી. માંથી આ મુવ ઓર્ડર એપ્રુવ કરાવ્યો હતો અને નાયબ ઈજનેર એન.પી. ગોહીલે કાર્યપાલક ઈજનેરના હોદ્દા ઉપર સહીઓ કરી હતી.

ત્યારબાદ સ્ટોર ઈન્ચાર્જ અંકુર પાનસુરીયા મારફતે તા. 27/02/2026 ના રોજ ગેટ પાસ બનાવી માલસામાન મેળવી લીધો હતો. આ માલને કોન્ટ્રાક્ટર ઈબ્રાહીમ ગરાણા અને ડ્રાઈવર અમીન ગરાણાના બે વાહનો જીજે 12-કે-0864 અને જીજે -03-ડબલ્યુ -8257 માં ભરીને રવાના કરી દેવાયો હતો. કૌભાંડ પર ઢાંકપિછોડો કરવા માટે તારીખ 11/06/2026 ના રોજ બોગસ સ્ટોર જમા ઓર્ડર બનાવી બીજી જ કંપનીનો હલકી ગુણવત્તાનો અથવા અલગ કંડક્ટર ડ્રમ સ્ટોરમાં જમા કરાવી દેવાયો હતો. જ્યારે તપાસ સમિતિએ કોન્ટ્રાક્ટરના ગોડાઉન પર ચકાસણી કરી ત્યારે મુવ ઓર્ડર મુજબના મૂળ ગર્ડર કે પીન ઈન્સ્યુલેટર મળી આવ્યા નહોતા.

પીજીવીસીએલ ના ખાતાકીય તપાસ અહેવાલ બાદ કંપનીના ઉચ્ચ અધિકારીઓના આદેશથી જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં 6 સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જીગ્નેશ રણજીત ભાઇ વેલેરા (નાયબ ઇજનેર, જેતપુર) ,ની તીન કુમાર પ્રેમજીભાઇ ગોહીલ (નાયબ ઇજનેર ટેક-1, જેતપુર) , અંકુર પ્રવિણભાઈ પાનસુરીયા (જુનીયર ઇજનેર – સ્ટોર, જેતપુર) , કમલ કિશનભાઈ વાગાડીયા (અધિક્ષક હિસાબનીશ – ખર્ચ, જેતપુર) , ઈબ્રાહીમભાઈ આઈ. ગરાણા (ખાનગી કોન્ટ્રાક્ટર) અને ડ્રાઈવર અમીનભાઈ સામે ગુનો નોંધી પોલીસે તમામની ધરપકડ માટે તજવીજ શરૂૂ કરી છે. વધુ તપાસ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. બી. બલદાણીયા ચલાવી રહ્યા છે.