પુરવઠાતંત્ર-દુકાનદારો અને બેંક વચ્ચે પીસાતા અહત્યોદય કાર્ડધારકો

કેન્દ્ર સરકારની અત્યંત મહત્વાકાંક્ષી ’સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી’ યોજના ગરીબ રેશનકાર્ડ ધારકો અને વ્યાજબી ભાવના દુકાનદારો (સસ્તા અનાજની દુકાનો માટે આશીર્વાદરૂૂપ બનવાને બદલે ભારે હાલાકીનું…

કેન્દ્ર સરકારની અત્યંત મહત્વાકાંક્ષી ’સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી’ યોજના ગરીબ રેશનકાર્ડ ધારકો અને વ્યાજબી ભાવના દુકાનદારો (સસ્તા અનાજની દુકાનો માટે આશીર્વાદરૂૂપ બનવાને બદલે ભારે હાલાકીનું કારણ બની રહી છે. આ નવી ડિજિટલ પદ્ધતિથી તદ્દન અજાણ રેશનકાર્ડ ધારકો, બિન-તાલીમી દુકાનદારો અને પુરવઠા તંત્ર સાથે જોડાયેલી પંજાબ નેશનલ બેંક વચ્ચેના સંકલનના અભાવે સમગ્ર રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે.

જોકે, પ્રાથમિક અવસ્થામાં પા-પા પગલી ભરતી આ ડિજિટલ પદ્ધતિના અત્યારથી જ લેખાંજોખાં કરવા કદાચ ન્યાયસંગત ન કહેવાય, પરંતુ અત્યંત સામાન્ય અને ગરીબ વર્ગના હિત સાથે જોડાયેલી આ પદ્ધતિને શરૂૂઆતના તબક્કે વધુ સંભાળીને અને પૂરતી તૈયારી સાથે લાગુ કરવી જોઈતી હતી, તેવી વ્યાપક માંગ ઊઠી છે.

રાજ્યના લગભગ 72 લાખથી વધુ NFSA (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) ના દાયરામાં આવતા રેશનકાર્ડ ધારકો, કે જેઓ કેન્દ્ર સરકારની ’પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અને રાજ્ય સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત મફત તેમજ વ્યાજબી ભાવે અનાજ, કઠોળ, ખાંડ, મીઠું અને તેલ મેળવે છે, તેઓને આ યોજના સાથે સીધા જોડી દેવાયા છે. CBDCના માધ્યમથી જોડાયેલા રેશનકાર્ડ ધારકો મહિનાના મધ્યગાળામાં ફક્ત આ પદ્ધતિથી જ અનાજ મેળવી શકે તેવી સજ્જડ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ફરજિયાત અને ખામીયુક્ત સિસ્ટમના કારણે રેશનકાર્ડ ધારક, દુકાનદાર અને બેંક માટે રોજિંદો ઘર્ષણનો માહોલ ઊભો થયો છે.

એક તરફ તંત્ર જાહેર વિતરણ વ્યવસ્થાને વધારે સુચારુ અને ડિજિટલ બનાવવા મથી રહ્યું છે. તે માટે રેશનકાર્ડ ધારકોને વ્હાઈટલિસ્ટેડ કરવા, ઓનબોર્ડ કરવા તથા લાભાર્થીઓને CBDC મારફતે જ લાભ મળે તેવો આગ્રહ રખાય છે. પરંતુ, જેની પર આ યોજનાનો સંપૂર્ણ મદાર છે, તેવી પંજાબ નેશનલ બેંક ટેકનિકલ કે વહીવટી રીતે સજ્જ જણાતી નથી. તાલુકા કે જિલ્લા કક્ષાએ પુરવઠા વિભાગ દ્વારા કોઈ જવાબદાર અધિકારી કે તાલીમબદ્ધ કર્મચારીની નિયુક્તિ કરાઈ નથી, જે બિન-તાલીમી દુકાનદારોને યોગ્ય માર્ગદર્શન આપી શકે.

દરેક ગરીબ રેશનકાર્ડ ધારક પાસે સ્માર્ટફોન હશે જ, તેવી ધારણા સાથે શરૂૂ કરાયેલી આ પદ્ધતિથી ખુદ લાભાર્થીઓ અજાણ છે. બીજી તરફ, તાલુકા કક્ષાએથી દબાણ લાવીને ગ્રાહકોના રેશનકાર્ડને ’CBDC એક્ટિવ’ કરી દેવાની હોડ મચી છે. જમીની સ્તરે કોઈ જ તૈયારી વિના અધિકારીઓ દબાણની નીતિ અપનાવી રહ્યા છે, જેનો સીધો ભોગ દુકાનદારો બની રહ્યા છે.

કોઈપણ જાતના વધારાના મહેનતાણા કે સત્તાવાર માન્યતા વગર દુકાનદારો પાસેથી કામ કઢાવી લેવાની દાનતથી કંટાળીને હવે દુકાનદારોએ કામગીરીનો નનૈયો ભણવાનું શરૂૂ કર્યું છે. અગાઉ રેશનકાર્ડ સાથે આધાર સીડીંગ, ય-ઊંઢઈ, સસ્પેક્ટેડ ડેટાની નોટિસ જેવી કામગીરી દુકાનદારો પર ઠોકી બેસાડાઈ હતી, હવે દુકાનદારો પોતાનો હક માંગી રહ્યા છે.

સરકારી સર્વર ગમે ત્યારે ડાઉન થઇ જાય, ગરીબોને રોજ ધક્કા
સૌથી મોટી સમસ્યા PNBના સર્વરની છે. વારંવાર લોગઆઉટ થઈ જવું અને ન સમજાય તેવી એરર્સ આવવાને કારણે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે રોજબરોજ ઝઘડા થાય છે. અનાજ લેવા ગરીબ માણસ રોજ ધક્કા ખાય છે અને દુકાનદાર લાચાર બની સર્વર ચાલુ થવાની રાહ જોતો બેસી રહે છે. પળેપળે આવતી એરર્સ માટે ઈમેલ દ્વારા ફરિયાદ કરવી પણ દુકાનદાર માટે પ્રેક્ટિકલ નથી.