સુરેન્દ્રનગરના ચિત્રલાખા ગામે સરકારી જમીનમાં કોલસા ચોરીનું કૌભાંડ

રેન્જ આઇજીની ટીમનો કોલસાની ચોરી કરતા ખનીજચોરો ઉપર દરોડો, 9 ટ્રેકટર સહિત 23 લાખનો મુદ્દામાલ કબજે સુરેન્દ્રનગરના સાયલા ચિત્રલાખા ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે…

રેન્જ આઇજીની ટીમનો કોલસાની ચોરી કરતા ખનીજચોરો ઉપર દરોડો, 9 ટ્રેકટર સહિત 23 લાખનો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગરના સાયલા ચિત્રલાખા ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરતા ખનીજ માફિયાઓ પર રાજકોટ રેન્જ પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પોલીસે આ વિસ્તારમાં દરોડા પાડી રૂૂ.23 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ ચોરીનું મોટું નેટવર્ક પર્દાફાશ કર્યું છે.

રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં સરકારની સંપત્તિ અને કુદરતી ખનીજ સંસાધનોને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને રાજકોટ રેન્જ પી.આઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા અને સી.એમ. કાંટેલીયા સહિતનો સ્ટાફે હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે ખનીજ ચોરી કરતા શખ્સો સુધી પહોંચવા માટે જાળ બિછાવવામાં આવી હતી.

સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચિત્રલાખા ગામના સર્વે નંબર 141 વાળી સરકારી ખરાબાની જમીન પર મોટા પાયે ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ પરથી પોલીસને અંદાજે 13 જેટલા ખોદેલા ખાડા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 9 સુંઢકેસીંગ, 3 ટ્રેક્ટર, 3 કંપ્રેશન, 1 જનરેટર અને 3 મોટરસાયકલ સહિત કુલ 370 ટન કોલસો કબજે કર્યો હતો.

પોલીસે જપ્ત કરેલા વાહનોમાં જનકભાઈ વીજાભાઈ સારદીયા (થાનગઢ), રામાભાઈ પુનાભાઈ કોઠારીયા (થાન), રાહુલભાઈ મોતીભાઈ સરલા (સાયલા) ના મોટરસાયકલ તથા લાલજીભાઈ ધનાભાઈ પનારા (મૂળી) ના ટ્રેક્ટર સહિતના સાધનોનો સમાવેશ થાય છે. પોલીસે કુલ 23,30,000 રૂૂપિયાનો મુદ્દામાલ સીઝ કરીને સાયલા પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી બાદ પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. તમામ જપ્ત કરેલો મુદ્દામાલ આગળની કાયદેસરની દંડનીય કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને સુપ્રત કરી દેવામાં આવ્યો છે. આ દરોડાને કારણે સાયલા પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી સરકારી ખરાબાની જમીનો પર થતા ગેરકાયદેસર કબજા અને ખનન પર ચોક્કસપણે અંકુશ આવશે તેવી આશા સેવાઈ રહી છે.