વેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ સામે કોંગ્રેસ મેદાને

વેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા પશુ ઓના ત્રાસ સામે કોંગ્રેસના નગરસેવકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આશરે 20 જેટલા નગરસેવકોના પ્રતિનિધિમંડળે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ…

વેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા પશુ ઓના ત્રાસ સામે કોંગ્રેસના નગરસેવકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આશરે 20 જેટલા નગરસેવકોના પ્રતિનિધિમંડળે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરેલ અને ટૂંક સમયમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જનઆંદોલન અને ઉગ્ર કાર્યક્રમો યોજવામાં આવશે તેમ જણાવેલ છે. આ રજૂઆત દરમિયાન જ ડેપ્યુટી કલેક્ટર કચેરી પાસે બે આખલા ઓ બાખડી પડ્યા હતા. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કોંગ્રેસના નગરસેવકોએ પ્રાંત અધિકારી ને કરેલી રજૂઆતમાં જણાવેલ કે, વેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા આખલાઓના, ગાયો અને શ્વાન નો ત્રાસ સતત વધી રહ્યો છે. મુખ્ય માર્ગો, બજાર, રહેણાંક વિસ્તારો તેમજ શાળા-કોલેજો આસપાસ પણ રખડતા પશુઓ નો જમાવડો જોવા મળે છે. અગાઉ પણ આખલાઓની લડાઈ ના કારણે રાહદારીઓ, બાઈક ચાલક અને વૃદ્ધો ઇજાગ્રસ્ત થયા હોવાના અનેક બનાવો બન્યા છે. કોંગ્રેસના નગરસેવક બસીર ભાઈ ગોહેલ, હાજીભાઇ પંજા, હનીફભાઇ મલેક સહિતના આગેવાનો એ તંત્ર પર ઉદાસીનતાના આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસના પ્રતિનિધિમંડળે તંત્ર સમક્ષ માંગ કરી હતી કે શહેરમાં રખડતા પશુઓ પકડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવે અને પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને નાગરિકોની સુરક્ષા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે. તેમણે ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જન આંદોલન અને ઉગ્ર કાર્યક્રમો યોજવામાં આવશે, તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.