CM ઓફિસ અને હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી: ધનતેરસે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

  ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ બાદ હવે મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે…

 

ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ બાદ હવે મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે CM ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મળેલા ધમકીભર્યા ઈ-મેઇલ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. બંને સ્થળે સુરક્ષાની દૃષ્ટિએ તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટને બપોરે 1 વાગ્યાને 11 મિનિટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ મળ્યો હતો. ઈ-મેઇલ મળતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સોલા પોલીસની ટીમ હાઈકોર્ટ પરિસરમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

આ ઘટના બાદ બપોરે 3 વાગ્યાને 11 મિનિટે મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે CM ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે.

હાઈકોર્ટ પરિસરમાં શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ સમગ્ર કાર્યવાહી વચ્ચે હાઈકોર્ટની તમામ કોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે.

બંને મહત્ત્વપૂર્ણ સરકારી અને ન્યાયિક સંસ્થાઓને નિશાન બનાવવાની ધમકીને પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ધમકીભર્યા ઈ-મેઇલની સત્યતા, ઈ-મેઇલ મોકલનારની ઓળખ અને તેની પાછળના હેતુ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા બંને સ્થળે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.