ઇસ્ટ-વેસ્ટ ઝોનના ટીપીઓની સામસામે બદલી : સેન્ટ્રલ ઝોનના મહિલા ટીપીઓ વિરૂધ્ધ મોટો ઉહાપોહ છતા અકબંધ
રાજકોટ મનપાની ટાઉન પ્લાનીંગ શાખા એટલે ભ્રષ્ટાચારનો અખાડો. ગમે તેવી લગામ મુકવા છતા ટેબલ નીચેનો વહીવટ કરવા માટેનો કોઇને કોઇ રસ્તો શોધી કાઢવામા આવે જ. ટીઆરપી હત્યાકાંડ પછી તો ટીપી શાખા છડેચોક છાપરે ચડીને છતી થઇ હતી. એ પછી ટીપી શાખામાં સાફસાફ અને ઝોનવાઇઝ ટાઉન પ્લાનીંગ અધિકારીની નિમણુંક કરવા સહિત ધરમુળથી માળખુ બદલવા છતા શંકાસ્પદ વહીવટો અટક્યા નથી. ગત જનરલ બોર્ડમાં ટીપી શાખાનો કદડો સામે આવ્યા બાદ ટીપી બ્રાન્ચમાં ફરી ઉથલપાથલ કરવામા આવી છે. બે વિવાદી ટીપીઓની અરસપરસ બદલી કરવામા આવી છે. જો કે સેન્ટ્રલ ઝોનના મહિલા ટીપીઓ હેતલબેન સોરઠિયા વિરુધ્ધ ભારે ઉહાપોહ છતા ખુરશી અકબંધ રહી છે.
રાજકોટ મનપામાં બે ટાઉન પ્લાનારની અરસ-પરસ બદલી કરવામાં આવી છે. જેમાં ઇસ્ટ ઝોનનાં ટાઉન પ્લાનર અભી પટેલને વેસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનનાં ટાઉન પ્લાનર ભાર્ગવ બરવાળીયાને ઇસ્ટ ઝોનમાં મુકાયા છે. તાજેતરમાં યોજાયેલા જનરલ બોર્ડમાં જ ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો વિપક્ષ દ્વારા ઉછળ્યા બાદ મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જોકે આ નિર્ણયથી ગેરકાયદે બાંધકામો મામલે કરવામાં આવતી કાર્યવાહીમાં કેટલો ફેર પડશે તે તો આવનારો સમય જ બતાવશે.
તાજેતરમાં મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનરની ભરતીઓ કરવામાં આવી હતી. ગત જનરલ બોર્ડમાં 14 માસ પૂર્વે નોકરીએ લાગેલા અને હાલ પ્રબેશન પિરિયડ પર રહેલા ત્રણ ટાઉન પ્લાનર ગેરકાયદે બાંધકામો સામે કામગીરી કરવામાં નિષ્ફળ હોવાનો આરોપ વિપક્ષે લગાવ્યો હતો.
જેના પગલે મનપાનાં વેસ્ટ ઝોનનાં ટાઉન પ્લાનર ભાર્ગવ બરવાળીયાને ઇસ્ટ ઝોનમાં અને ઇસ્ટ ઝોનનાં ટાઉન પ્લાનર અભી પટેલને વેસ્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલ બંને ટાઉન પ્લાનારો બે વર્ષના પ્રોબેશન પિરિયડમાં છે. અને બંને સામે તપાસ પણ ચાલુ હતી તે દરમિયાન મ્યુ. કમિશનરે બંનેની અરસ પરસ બદલીનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ટીઆરપી અગ્નિકાંડ બાદ ગત 22 જુલાઈએ મ્યુ. કમિશ્નર દ્વારા પ્રથમવાર ત્રણેય ઝોનમાં ટીપીઓની નિમણૂક કરવામાં આવી હતી. જોકે તા. 20 નવેમ્બરે યોજાયેલા જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા ટીપી વિભાગની કામગીરી અંગેનાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ છેલ્લા બે વર્ષમાં ખાસ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું ખુલ્યું હતું. જેને લઈને વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા બાદ મ્યુ. કમિશ્નર દ્વારા બંનેની અરસ-પરસ બદલીઓ કરી મામલો શાંત પાડવા પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
