રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે એકસાથે બે મહત્વપૂર્ણ બદલીના આદેશો જાહેર કર્યા છે. મામલતદાર વર્ગ-2 સંવર્ગના 86 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1ના 8 અધિકારીઓની પણ બદલી અને નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 3 નાયબ મામલતદારોને બઢતી આપીને મામલતદાર તરીકે નિમણૂક અપાઈ છે.રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મહેસૂલી વહીવટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જાહેર થયેલા બદલીના હુકમ મુજબ રાજકોટ જિલ્લા માટે મહત્વના ફેરફારોમાં અશ્વિનકુમાર સેવંતીલાલ દોશીની જામનગર ખાતે મામલતદાર પ્રોટોકોલ તરીકેની ફરજમાંથી બદલી કરીને રાજકોટ જિલ્લા જનસંપર્ક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમના આગમનથી રાજકોટના માહિતી અને જનસંપર્ક વિભાગમાં નવી જવાબદારી સોંપાશે.
બીજી તરફ શક્તિસિંહ અશોકસિંહ ઝાલાની ભાવનગર ખાતે મામલતદાર ચૂંટણીની ફરજમાંથી બદલી કરીને રાજકોટ જિલ્લાના વિંછિયા મામલતદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.જ્યારે અરવિંદ અર્જુનભાઈ રાઠોડ, જેઓ રાજકોટ કલેક્ટર કચેરીમાં મામલતદાર PSO-IORA તરીકે ફરજ બજાવતા હતા, તેમની રાજકોટ શહેર પૂર્વના મામલતદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના મામલતદાર તરીકે ફરજ બજાવતા ડી.ડી. ભટ્ટની જૂનાગઢ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ ગ્રામ્યના મામલતદાર કિરીટકુમાર એચ. મકવાણાની મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે બદલી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ બદલીઓના પગલે રાજકોટ સહિત વિવિધ જિલ્લાઓના મહેસૂલી વહીવટી તંત્રમાં ફેરફાર થશે. ખાસ કરીને રાજકોટમાં જિલ્લા જનસંપર્ક અધિકારી, વિંછિયા મામલતદાર અને રાજકોટ શહેર પૂર્વ મામલતદાર તરીકે નવી નિમણૂકો થતાં આગામી દિવસોમાં વહીવટી કામગીરીમાં નવા અધિકારીઓ જવાબદારી સંભાળશે.
મહેસૂલ વિભાગ દ્વારા 25 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, પાટણ, કચ્છ, બનાસકાંઠા, અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
જીએએસ કેડરના 8 ડે.કલેક્ટરો પણ બદલાયા
મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં ફેરફાર કરતા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગના 8 અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં રાજકોટ ગ્રામ્યના સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરની પણ બદલી કરવામાં આવી છે. રાજકોટ (ગ્રામ્ય) ખાતે નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) તરીકે ફરજ બજાવતા હર્ષદીપ કે. આચાર્યની બદલી જામનગર ખાતે કરવામાં આવી છે. તેમને જામનગર (શહેર)ના પ્રાંત અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.
