ગુજરાત

રવિ પાર્કમાં ગ્રાહકના ઘરે રિકવરી માટે ગયેલા વીજ અધિકારીઓ સાથે ઝપાઝપી

Published

on

વીજગ્રાહકના પરિવાર સામે પોલીસમાં રિપોર્ટ કરાયો: વીજ ટુકડીના સરવે દરમિયાન આસપાસના આશરે 15 ઘરોમાં લંગરિયા વીજજોડાણ ધ્યાનમાં આવતાં કટ કરાયા



જામનગરમાં ગુલાબનગર- રવિ પાર્ક વિસ્તારમાં એક વિજ ગ્રાહક, કે જેઓ સામે કેસ ચાલી રહ્યો છે, અને અદાલતે તેની સામે 70,417 ની રિકવરી કાઢી હોવાથી અદાલતના બેલીફની હાજરીમાં ગઈકાલે વીજ ટુકડી દ્વારા રિકવરી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં વીજ ગ્રાહક પરિવાર દ્વારા હંગામા મચાવી ફરજ પર રહેલા મહિલા વિજ અધિકારી સાથે ગેરવર્તન કરી ઝપાઝપી કરી હતી.


જે સમગ્ર મામલાનો વિડીયો ઉતારી લેવાયો છે, અને તે અંગેનો અદાલત તેમજ પોલીસમાં રિપોર્ટ કરાયો છે. આ સમયે ચેકિંગ દરમિયાન આસપાસના આશરે, 15 જેટલા ઘરોમાં પણ વિજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં વિજ વાયરો કટ કરી લેવામાં આવ્યા છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબનગર રવિ પાર્ક વિસ્તારના રહેતા રસીદાબેન કાસમભાઇ સુમરા કે જેઓના મૃતક પતિ કાસમભાઈ મોહમ્મદભાઈ સુમરાના નામનું સાડા ત્રણેક વર્ષ પહેલાં વિજ જોડાણ હતું, અને જે તે વખતે ચેકિંગ દરમિયાન ત્યાં વીજ ચોરી થતી હોવાથી તેઓનું મીટર ઉતારી લેવાયું હતું, અને પોલીસ કેસ કરાયો હતો.


જે કેસમાં અદાલત દ્વારા રૂૂપિયા 70,417 જેટલી રિકવરી કાઢી હતી, અને ગઈકાલે સોમવારે પીજીવીસીએલ ની દરબારગઢ કચેરીના જુનિયર એન્જીનીયર કોમલબેન ચંદારાણા પોતાની વીજ ટુકડી તેમજ અદાલતના બેલીફ અને સિક્યુરિટીની ટિમ સાથે વીજ ગ્રાહકના ઘેર ગયા હતા, અને રિકવરી માટેની માંગણી કરી હતી.
દરમિયાન ત્યાં હાજર રહેલા મકાન માલિક રસીદાબેન સુમરા અને તેઓના પરિવારના અન્ય મહિલા સભ્યો દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું, અને વીજ અધિકારી સહિતની ટુકડીને ઘરમાં પ્રવેશતાં રોક્યા હતા.
ઉપરાંત વિજ મીટર ન હોવા છતાં તે ઘરમાં ફરીથી લંગરિયું વિજ જોડાણ મેળવીને વિજ ચોરી કરાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.


તેથી વીજ અધિકારી દ્વારા મકાનમાં જઈને સર્વે કરવાની કાર્યવાહી હાથ ધરાતાં વિજ ગ્રાહક ના પરિવારના સભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો, અને વીજ અધિકારી કોમલબેન ચંદારાણા સાથે ધક્કા મૂકી કરી તેઓની ફરજ માં અડચણ ઉભી કરી હતી. તેમજ સમગ્ર ટીમ સાથે અપ શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું, અને રિકવરી ની કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો કર્યો હતો.


જે સમગ્ર મામલાનું મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ કરી લેવાયું હતું, અને તે અંગેનો અદાલતમાં તેમજ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે, અને પુરાવા રજુ કરાઈ રહ્યા છે.


વીજ ટુકડી દ્વારા મકાન અને આસપાસના ઘરોમાં સર્વે કરતાં આશરે 15 ઘરોમાં લંગરીયા વીજ જોડાણ મારફતે ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં વીજ ટુકડી દ્વારા ટાવર લેડર વાહન મંગાવીને તાત્કાલિક અસરથી આવા લંગરીયા વીજ જોડાણના વાયરો કબજે કરી લેવામાં આવ્યા હતા. તેથી આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફડા તફડી અને વીજ ચોરી કરનારાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version