સરકારી જમીન પર પાર્ટી પ્લોટ બનાવી દેવા મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થયો હતો
શહેરના મવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી પાર્ટી પ્લોટ બનાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. દક્ષિણ મામલતદાર દ્વારા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હોય પીસીબીની ટીમે તેની ધરપકડ કરી છે. ને વધુ તપાસ હાથ ધરી છે.
મવડી વિસ્તારમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 194 પૈકીની સરકારી ખરાબાની કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો કરવા બદલ સીટી લાઈટ પાર્ટી પ્લોટના સંચાલક ગોરધનભાઇ ઉકાભાઇ મેઘાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. સીટી લાઈટ પાર્ટી પ્લોટના સંચાલક ગોરધનભાઇએ આ સરકારી જમીન પર વ્યાવસાયિક હેતુ માટે ’સીટી લાઈટ પાર્ટી પ્લોટ’ બનાવી, ત્યાં ફોલ્ડિંગ દીવાલ, ઓફિસ, પાણીનો ટાંકો અને ઇલેક્ટ્રિક રૂૂમ જેવું પાકું બાંધકામ ખડકી દીધું હતું. આ સ્થળનો ઉપયોગ તે પોતે કરતો હતો અને અન્ય લોકોને પણ ઉપયોગ કરવાની પરવાનગી આપી આર્થિક લાભ મેળવી રહ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી પ્રક્રિયા ચાલી રહી હતી.
અગાઉ તત્કાલીન મામલતદાર દ્વારા જમીન મહેસુલ કાયદાની કલમ 61 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીના પુત્ર હિતેશભાઈએ સપ્ટેમ્બર 2024માં સ્વૈચ્છાએ દબાણ દૂર કરવાની બાહેધરી આપી હતી. જોકે, તલાટીના અહેવાલ મુજબ માત્ર ફેન્સિંગ દૂર કરી બાકીનું દબાણ યથાવત રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા ઓક્ટોબર 2024 થી જાન્યુઆરી 2026 સુધીમાં કલમ 202 હેઠળ પાંચથી વધુ વખત નોટિસો આપવા છતાં કબજેદારે જમીન ખાલી કરી નહોતી અને વ્યવસાય ચાલુ રાખ્યો હતો.
અંતે આ મામલો જિલ્લા કલેક્ટરની લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તારીખ 18 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રાંત અધિકારીના અહેવાલ બાદ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ 4(3) અને 5(ગ) હેઠળ ફરિયાદ દાખલ કરવાનો આદેશ અપાયો હતો. રાજકોટ શહેર દક્ષિણના મામલતદાર રાજેન્દ્રસિંહ કનકસિંહ સરવૈયાએ સરકાર પક્ષે આ ફરિયાદ નોધાવી હતી.જેમાં સીટી લાઈટ પાર્ટી પ્લોટના સંચાલક ગોરધનભાઇ ઉકાભાઇ મેઘાણી ની પીસીબીની ટીમે ધરપકડ કરી છે.

