વ્યાજખોરીના વમળમાં ફસાયેલા યુવાનનો સ્યુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ

ચોટીલામાં રહેતા યુવાને વ્યાજખોરીના વમળમાં ફસાઇ જતા સુસાઇડ નોટ લખી ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ધંધા માટે અલગ…

ચોટીલામાં રહેતા યુવાને વ્યાજખોરીના વમળમાં ફસાઇ જતા સુસાઇડ નોટ લખી ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ધંધા માટે અલગ અલગ લોકો પાસેથી ઉંચા વ્યાજે નાણા લીધા બાદ વ્યાજખોરીમાં સપડાઇ જતા તેણે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે. યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હેમાંગ કિરીટભાઇ નાધા ઉ.વ.28 નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા એને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમીક નોંધ કરી ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી આવી હેમાંગનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર હેમાંગ ચોટીલામાં અજંલી ટેઇલર નામે દુકાન ધરાવે છે. તે છ વર્ષ પહેલા અલગ અલગ લોકો પાસેથી રૂપિયા 7 લાખ ઉંચા વ્યાજે લીધા હતા અને તે દર મહીને 25 થી 30 હજાર વ્યાજ ચુકવતો હતો. રાજા રબારી પાસેથી દોઢ લાખ વ્યાજે લીધા હતા. જેનું મુડી કરતા વધારે વ્યાજ ચુકવી દીધું હતું. આમ તે નિયમીત વ્યાજ ચુકવતો હોવા છતાં ઘરના બે છેડા ભેગા થતા ન હોય જેથી આર્થીક સંકડામણના કારણે તેણે કંટાળી જઇ સુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.