Site icon Gujarat Mirror

બોગસ દસ્તાવેજ કૌભાંડ : કિશન જૂની મિલકતો શોધી હર્ષને આપતો, હર્ષ હાર્ડ કોપી શોધવાનું કામ જયદીપને આપતો !

શહેરની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1માં કોન્ટ્રાકટ બેઝ કર્મચારી જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડા અને પૂર્વ કર્મચારી હર્ષ સોનીએ કચેરીના 1956થી 1972 સુધીની સાલના જુના દસ્તાવેજોમાં ચેડા કરી કરોડોની 17 મિલકતોના બોગસ દસ્તાવેજો ઉભા કરી લીધાના કૌભાંડમાં સૂત્રધાર હર્ષ સોનીને પ્ર. નગર પોલીસે અમદાવાદના વેજલપુરથી પકડી લીધો છે.

ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી.આર. ડોબરીયા અને ટીમે તપાસ શરૂૂ કરી હતી. આ તપાસ માટે પોલીસ કમિશનર દ્વારા સીટની રચના પણ કરવામાં આવી છે. દરમિયાન પોલીસે હર્ષ સોની ઉર્ફે હર્ષ ભરતભાઈ સોહેલીયા(ઉ.વ.21,રહે. સત્યમ પાર્ક, 80 ફટ રોડ)ને અમદાવાદથી ઝડપી લઇ વિશેષ પુછતાછ માટે દસ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.હર્ષે પુછતાછમાં વકીલ કિશન ચાવડાના કહેવાથી કોન્ટ્રાકટ બેઝ કર્મચારી જયદીપ ઝાલા સાથે મળી બોગસ દસ્તાવેજ ઉભા કર્યાનું રટણ કર્યું છે. હવે પોલીસ વકીલને શોધી રહી છે. તપાસમાં કોઈ અધીકારી કે મોટા માથા સામેલ છે કે કેમ? તેની તપાસ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1972 પહેલાના હસ્તલિખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપીમાં કચેરીના સુપરવાઇઝર અને કોન્ટ્રાકટ આધારિત કર્મચારી સહિત ત્રણ શખસોએ 17 દસ્તાવેજોમાં ચેડા કરી નકલી દસ્તાવેજો ઉભા કર્યા હતાં. જો કે આ દસ્તાવેજોને આધારે કોઈ મિલકત વેચી નથી.

હર્ષ સોની પણ અગાઉ સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-1માં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી ચુક્યો હોઇ તે ત્યાં કયા કયા દસ્તાવેજો રખાય છે તેનાથી વાકેફ હતો અને હાલના કર્મચારી જયદિપ ઝાલા સાથે પણ તેની ઓળખાણ હતી. હર્ષએ એવુ રટણ કર્યુ છે કે ફરાર આરોપી કિશન ચાવડા જ દસ્તાવેજોનાં કામો લઈને આવતો હતો. જેના પરથી કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ઝાલા કચેરીમાંથી ઓરીજીનલ દસ્તાવેજો, તેની સ્કેન કરેલી કોપી વગેરે લઈ આવતો હતો.
જો કે કરોડોની કિંમતી મિલ્કતોના નકલી દસ્તાવેજો બની ગયા પછી પણ આ મિલ્કતો વેંચી શકાઇ નથી. જયદીપ ઝાલા અને કિશન ચાવડા સિવાયનાં બીજા કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ માટે આરોપી હર્ષના રિમાન્ડની તજવીજ થઇ રહી છે.આ મામલે પોલીસે જણાવ્યું હતું કે,જે દસ્તાવેજોમાં ચેડા થયા હતા. તેનાં આધારે કોઈ જમીનનો સોદો થયો હોય તેવી કોઈ માહિતી મળી નથી.હર્ષ ભાગીને રાજસ્થાન-નાથદ્વારા, મુંબઇ તરફ ભાગતો ફરતો હતો અને છેલ્લે ફરી અમદાવાદ આવતાં પકડી લેવાયો હતો.

Exit mobile version