શહેરમાં જુદા જુદા ચાર સ્થળે યુવતિ સહિત ચાર લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસો કર્યા હતાં. ચારેયને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ ઉપર આવેલા પુનિત નગરમાં રહેતા રામશી તેજુભા જાડેજા ઉ.વ.53 બપોરના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. બીજા બનાવમાં નવા થોરાળામાં રહેતી ભૂમિકાબેન કાંતિભાઈ બેડવા નામની 20 વર્ષની યુવતિએ માતા-પિતાના ઝઘડાથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
ત્રીજા બનાવમાં માધાપર ગામે રહેતી દક્ષાબેન અનિલભાઈ પરમાર નામની 26 વર્ષની પરણીતાએ ઉપરના માળે રહેતા ભાડુઆતના ત્રાસથી ફિનાઈલ પી લીધું હતું. જ્યારે ચોથા બનાવમાં વેલનાથ પરા વિસ્તારમાં રહેતી ઈશીતાબેન પરસોતમભાઈ કડિયા નામની 17 વર્ષની સગીરાને મધરાત્રે માતાએ ઠપકો આપતા સગીરાને માઠુ લાગી આવતા એસીડ પી લીધું હતું. વખ ઘોળનાર ચારેય લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

