રાજકોટમાં ખૂની ખેલ: એક જ રાતમાં બે હત્યા, યુવક અને વેપારીને છરીના ઘા ઝીંક્યા

  રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી સવાલો ઊભા થયા છે. એક જ રાતમાં હત્યાના બે બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં…

 

રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી સવાલો ઊભા થયા છે. એક જ રાતમાં હત્યાના બે બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં 20 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે, તો બીજી તરફ ગોંડલમાં 61 વર્ષીય વેપારીને તેમની જ દુકાનમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. બે અલગ-અલગ સ્થળે બનેલી આ ઘટનાઓને પગલે પોલીસ દોડતી થઈ છે.

રાજકોટના થોરાળા વિસ્તારમાં 20 વર્ષીય યુવક પર છરી વડે હુમલો,
શહેરના નવા થોરાળા વિસ્તારમાં 20 વર્ષીય જયેશ ચાવડા પર અજાણ્યા શખસે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગત રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં જયેશને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેનું મોત નીપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવકની હત્યા પાછળનું કારણ શું છે અને હુમલો કોણે કર્યો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

સિવિલ પહોંચી જયેશના મિત્રોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેના મિત્રો સાથે પાનની કેબીને ફાકી લેવા માટે ઉભો હતો, ત્યારે જયેશ સાથે અગાઉ 3 મહિના પહેલાં જેની સાથે ઝઘડો થયો હતો, તે ધવલ વિજયભાઈ મકવાણા અને જયવીન નટુભાઇ ગોહેલ આવી અગાઉના ઝઘડાનો ખાર રાખી જેમ ફાવે તેમ બોલી ઝઘડો શરૂ કર્યો હતો. જેમાં ધવલ મકવાણા અને જયવીન ગોહિલ એકદમ ઉશ્કેરાઈ પ્રથમ ઢીંકા પાટુનો માર, બાદમાં ધવલ મકવાણાએ પોતાના નેફામાંથી છરી કાઢી જયેશને છાતીના ઉપરના ભાગે અને ગળાથી નીચેના ભાગે એક ઘા મારી દીધો હતો. લોહી નીકળવા લાગતા બન્ને ત્યાંથી ભાગી ગયા હતા.થોરાળા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપી ધવલ ઉર્ફે ટકો મકવાણા અને જયવીન ગોહેલ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.

ગોંડલમાં વેપારીની હત્યા

બીજી તરફ ગોંડલમાં પણ હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગોંડલની નાની બજાર વિસ્તારમાં આવેલી ચુનારા શેરીમાં 61 વર્ષીય વેપારી ભરતભાઈ નાનભા ડાભીની તેમની જ દુકાનમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. ભરતભાઈ છેલ્લા 30 વર્ષથી તેલ અને બેસનનો વેપાર કરતા હતા.

સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યે બંધ થતી તેમની દુકાન ગત રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ખુલ્લી રહેતા પાડોશીઓને શંકા ગઈ હતી. જેથી તપાસ કરતા દુકાનની અંદર ભરતભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગોંડલ સિટી એ-ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પ્રાથમિક વિગતો મુજબ મૃતકનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હત્યા પાછળ લૂંટનો ઇરાદો હતો કે અંગત અદાવત, તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.