ગુજરાત

બીમાર પત્નીની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાંની ઉઘરાણી કરનાર ભાજપ કાર્યકરની ધરપકડ

Published

on

20 હજાર 25 ટકા વ્યાજે આપી 90 હજારની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને ફિનાઇલ પી લીધું હતું


શહેરમાં કાલાવડ રોડ પર વામ્બે આવાસમાં રહેતા દંપતીને રૂ.20 હજાર 25 ટકા વ્યાજે ધીરી માથાભારે વ્યાજખોરે પેનલ્ટી સહિત રૂૂ.90 હજારની પઠાણી ઉઘરાણી કરી હતી અને યુવકને તેની જ્ઞાતિ અંગે હડધૂત કરી યુવક અને તેની પત્નીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. કાલાવડ રોડ પરના વામ્બે આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતા સોનુભાઇ ચંદુભાઇ વાળા (ઉ.વ.24)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા વિજયપરી ભીખુપરી ગોસ્વામીનું નામ આપ્યું હતું.


સોનુભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેના પત્ની કારખાનામાં સફાઇ કામદાર તરીકે કામ કરે છે. પત્ની દિપાલીબેન છ મહિના પહેલા બીમાર થયા હતા ત્યારે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નાણાંની જરૂરિયાત ઊભી થતાં તે સમયે વિજયપરી ગોસ્વામી પાસેથી રૂ.20 હજાર વ્યાજે લીધા હતા. વિજયપરી 25 ટકા વ્યાજ વસૂલતો હતો અને દર મહિને રૂ.5 હજારનો હપ્તો ભરવો પડતો હતો. બે મહિનાથી સોનુભાઇ વ્યાજ નહીં ચૂકવી શકતા વ્યાજખોર વિજયપરી બેફામ બન્યો હતો અને 10 સપ્ટેમ્બર સુધીમાં પેનલ્ટી સહિત રૂ.90 હજાર ચૂકવી દેવા દબાણ શરૂ કર્યું હતું અને ગાળો ભાંડતો હતો. વ્યાજખોર ઘરે જઇને દંપતીને જ્ઞાતિ અંગે હડધૂત કરતો અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતો હતો.


વ્યાજખોરના ત્રાસથી કંટાળી સોનુભાઇ જૂનાગઢ તેના પિતાના ઘરે જતો રહ્યો હતો તો વિજયપરી ત્યાં ગયો હતો અને ત્યાં પણ ગાળો ભાંડી હતી. તે સમયે દિપાલીબેન રાજકોટ ઘરે એકલા હતા તો વિજયપરી તેની પાસે ગયો હતો અને નાણાંની પઠાણી ઉઘરાણી કરી ચેકબુક પડાવી લીધી હતી. વ્યાજખોરના ત્રાસથી કંટાળી શનિવારે ભીખુભાઇએ આવાસના પાર્કિંગમાં ફિનાઇલ પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


પોલીસે વ્યાજખોર વિજયપરી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.ઉલ્લેખનીય છે કે,વિજયપરી બાવાજી ભાજપનો કાર્યકર છે અને આવાસમાં પોતે પ્રમુખ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.તેમજ ત્યાં આવાસમાં આવતા ફેરિયાઓ પાસેથી પણ નાણાં ઉઘરાવતો હોવાનો વિસ્તારવાસીઓએ આક્ષેપ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version