કોટડાસાંગાણીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, લાખો રૂપિયાના રોકડ-દાગીનાની ચોરી

કોટડાસાંગાણી શહેરમાં ફરી એકવાર તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં, સરકારી ક્વાર્ટરની બાજુમાં રહેતા ઉપેન્દ્રભાઈ ઠાકરના…

કોટડાસાંગાણી શહેરમાં ફરી એકવાર તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં, સરકારી ક્વાર્ટરની બાજુમાં રહેતા ઉપેન્દ્રભાઈ ઠાકરના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખો રૂૂપિયાની માલમત્તાની ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ તસ્કરોએ ઘરવખરી અને તમામ સામાનને વેરવિખેર કરી નાખી ઘરમાં ભારે તોડફોડ કરી હતી. આ ઘટનામાં તસ્કરો સોના-ચાંદીના દાગીના અને 45,000 રૂૂપિયાની રોકડ રકમ સહિત અંદાજિત 8 થી 10 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા છે.

સ્થાનિક વિસ્તારમાં બનેલી આ મોટી ચોરીની ઘટનાને પગલે રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દિવસે-દિવસે વધી રહેલી આવી ચોરીની ઘટનાઓને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.