ડોળાસાના મહિલા ખેડૂતની લડત રંગ લાવી; બજાર મૂલ્યના 12%થી વધુ વળતર ચૂકવવા જજ સુનીતા અગ્રવાલનો આદેશ
સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે માટે જમીન સંપાદન પ્રક્રિયામાં ઓછું વળતર મળતા ખેડૂતોમાં લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો હતો. આ મામલે કોડીનાર તાલુકાના ડોળાસા ગામના એક મહિલા ખેડૂતની હિંમત અને કાયદાકીય લડતના પરિણામે હાઈકોર્ટે ખેડૂતોના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે જમીન સંપાદનના સુધારેલા નિયમોને ટાંકીને ખેડૂતોને ચૂકવવામાં આવેલી રકમ ઉપરાંત બજાર મૂલ્યના 12% થી વધુ રકમ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે.
નેશનલ હાઈવે માટે ડોળાસા ગામના કુરાઈબેન માલાભાઈ ચાવડાની જમીન સંપાદિત કરવામાં આવી હતી. સંપાદન અધિકારી દ્વારા આ જમીનનું વળતર માત્ર જંત્રીના ભાવે નક્કી કરાયું હતું અને બજાર મૂલ્યનો લાભ આપવામાં આવ્યો ન હતો. આ અન્યાય સામે કુરાઈબેને એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે અમદાવાદ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી.
ખેડૂતો વતી એડવોકેટ આનંદ યાજ્ઞિકે દલીલ કરી હતી કે, નિયમ મુજબ જો 100 એકરથી વધુ જમીન સંપાદન કરવાની હોય, તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિના વડાએ માર્કેટ ભાવ નક્કી કરવા અનિવાર્ય છે. જ્યાં સુધી બજાર ભાવ નક્કી ન થાય ત્યાં સુધી પ્રાંત અધિકારી માત્ર જંત્રીના ભાવે એવોર્ડ કરી શકતા નથી. આ કેસમાં કલેક્ટરે મૂલ્યાંકન સમિતિ સાથે બેઠક યોજી બજાર મૂલ્ય નક્કી કરવાની પ્રક્રિયામાં ક્ષતિ રાખી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે.કોડીનારના આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ મહેશભાઈ મકવાણાએ અસરગ્રસ્ત ખેડૂતોના હિતમાં એડવોકેટ આનંદ યાજ્ઞિકનો સંપર્ક કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. ખેડૂતોને તેમનો હક મળે તે માટેના પાયાના પ્રયત્નોમાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી.
એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, “હાઈકોર્ટના આ હુકમથી ડોળાસા ગામના 60% થી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે. જોકે, નવા કાયદા મુજબ દલિત કે આદિવાસી ખેડૂતોની જમીન સંપાદન સામે વળતર ઉપરાંત વૈકલ્પિક જમીન આપવાની જોગવાઈ છે જેનો અમલ ગુજરાત સરકાર કરતી નથી. ખેડૂતો સામેના અન્યાય સામે આ લડત હજુ ચાલુ રહેશે અને ખેડૂતોને પૂરતો ન્યાય અપાવવા અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું. આ ચુકાદા બાદ હાઈવે પ્રોજેક્ટમાં જમીન ગુમાવનારા કોડીનાર પંથકના ખેડૂતોમાં ન્યાયની આશા જાગી છે અને વળતર વધારાના હુકમને આવકારવામાં આવ્યો છે.
