સોમનાથ મંદિરની આજુ-બાજુ નોનવેજના વેચાણ પર પ્રતિબંધ હટ્યા બાદ કલાકોમાં ફરી લાગુ

પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર અને તેના પરિસર આસપાસના માર્ગો પર માંસ-મટન અને નોન-વેજ ખાણીપીણીના વેચાણ પર મૂકાયેલા પ્રતિબંધના મામલે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં અભૂતપૂર્વ કાનૂની ડ્રામા…

પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર અને તેના પરિસર આસપાસના માર્ગો પર માંસ-મટન અને નોન-વેજ ખાણીપીણીના વેચાણ પર મૂકાયેલા પ્રતિબંધના મામલે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં અભૂતપૂર્વ કાનૂની ડ્રામા જોવા મળ્યો હતો. સિંગલ જજની બેંચે બપોરે 3 વાગ્યે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની અરજી ગ્રાહ્ય રાખી પ્રતિબંધ હટાવતો ચુકાદો આપ્યો હતો, પરંતુ રાજ્ય સરકારની તાકીદની અપીલ બાદ સાંજે 6:45 વાગ્યે ડિવિઝન બેંચે આ હુકમ પર સ્ટે (સ્થગિતી) આપતાં પ્રતિબંધ પુન: લાગુ થઈ ગયો છે. આમ, માત્ર પોણા ચાર કલાકના ટૂંકા ગાળામાં કાનૂની સ્થિતિ બદલાઈ જતાં સોમનાથમાં ધાર્મિક પવિત્રતા, વેપાર કરવાની સ્વતંત્રતા અને જાહેર હિત વચ્ચેનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રસ્થાને આવ્યો છે.

ગત 10 ઓગસ્ટના રોજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરાનામું (નોટિફિકેશન) બહાર પાડવામાં આવ્યું હતું. આ નોટિફિકેશન અનુસાર, પ્રભાસ પાટણ સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવ મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં તેમજ યાત્રાધામને જોડતા 6 મુખ્ય માર્ગો પર નોન-વેજ ખોરાક બનાવવા, સંગ્રહ કરવા અને વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ પ્રતિબંધિત માર્ગોમાં ભાલકા તીર્થ, ભીડિયા સર્કલ, શંખ સર્કલ, સફારી સર્કલ, ગીતા મંદિર અને હમીરજી સર્કલ જેવા મહત્વના ધાર્મિક અને યાત્રાળુ રૂૂટનો સમાવેશ થાય છે.

જિલ્લા કલેક્ટરના આ નિર્ણય સામે નોન-વેજ હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા સ્થાનિક વેપારીઓએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. અરજદારોએ દલીલ કરી હતી કે આ પ્રતિબંધથી બંધારણ દ્વારા તેમને મળેલા સ્વતંત્ર વેપાર-રોજગાર કરવાના અને રોજીરોટી કમાવવાના મૂળભૂત અધિકારનું હનન થાય છે. બપોરે આ અરજીઓ પર ચુકાદો આપતાં જસ્ટિસ નિશા એમ. ઠાકોરે વેપારીઓની તરફેણમાં ચૂકાદો આપી કલેક્ટરના નોટિફિકેશનને રદબાતલ ઠેરવ્યું હતું.

સિંગલ જજના ચુકાદા બાદ રાજ્ય સરકારનું સરકારી વકીલ કાર્યાલય ત્વરિત હરકતમાં આવ્યું હતું. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને ગવર્નમેન્ટ પ્લીડર જી. એચ. વિર્કે અન્ય તમામ બાબતો બાજુ પર મૂકીને આ ચુકાદાને પડકારવા માટે તાત્કાલિક અપીલ તૈયાર કરી હતી. રાજ્ય સરકારે કાર્યકારી ચીફ જસ્ટિસ મનાશ રંજન પાઠક અને જસ્ટિસ નિરઝર દેસાઈની ડિવિઝન બેંચ સમક્ષ તાકીદની સુનાવણી માટે અરજી કરી હતી.

સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી મુખ્ય દલીલ કરવામાં આવી હતી કે સોમનાથને કોઈ સામાન્ય વેપારી શહેર ગણી શકાય નહીં. દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે સોમનાથનું અસાધારણ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે, તેથી તેની પવિત્રતા જાળવવી અત્યંત જરૂૂરી છે. તમામ પક્ષોની દલીલો ધ્યાને લીધા બાદ ડિવિઝન બેંચે સાંજે 6:45 વાગ્યે સિંગલ જજના ચુકાદા પર રોક લગાવી દીધી હતી. કોર્ટના આ આદેશ સાથે જ સોમનાથના નિર્ધારિત યાત્રાધામ માર્ગો પર નોન-વેજ ખાણીપીણીના વેચાણ પરનો પ્રતિબંધ યથાવત રહેશે.