સૌરાષ્ટ્રની માઠી: દુષ્કાળ બાદ હવે માવઠાનો માર

સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે વધુ એક કુદરતી આફત જેવું માવઠુ વરસ્યું છે. ગુજરાતમાં શિયાળાની શરૂૂઆત પહેલાં જ કમોસમી વરસાદે માહોલ પલટાવી નાખ્યો…

સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે વધુ એક કુદરતી આફત જેવું માવઠુ વરસ્યું છે. ગુજરાતમાં શિયાળાની શરૂૂઆત પહેલાં જ કમોસમી વરસાદે માહોલ પલટાવી નાખ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના 31-10-2026 ના રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાક (30 સવારે 6 થી 31 સવારે 6) દરમિયાન રાજ્યમાં સરેરાશ 1.24 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના 7 જિલ્લાના 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. સૌરાષ્ટ્ર રિજિયનમાં સરેરાશ 3.64 મીમી વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 58 મીમી (2.28 ઈંચ) નોંધાયો છે. જે રાજ્યનો સૌથી વધુ વરસાદ છે.

બીજા ક્રમે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં 39 મીમી, ત્રીજા ક્રમે કુંકાવાવ વડિયામાં 38 મીમી, જેતપુરમાં 31 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ભેંસાણમાં 25 મીમી, ઉપલેટામાં 20 મીમી, ધોરાજીમાં 18 મીમી, ગોંડલમાં 15 મીમી, ગીર ગઢડામાં 14 મીમી, જામકંડોરણા અને સતલાસણામાં 12-12 મીમી, વંથલીમાં 10 મીમી, વિજાપુરમાં 9 મીમી, ઈડરમાં 7 મીમી, બાબરામાં 6 મીમી, વડાલી-પોશિનામાં 5-5 મીમી વરસાદ નોંધાયો છે.

આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે. ખેતરમાં તૈયાર પડેલો મગફળી, કપાસ, સોયાબીનનો પાક પલળી જતા નુકસાનની ભીતિ છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ છૂટોછવાયો વરસાદની આગાહી કરી છે, ખેડૂતોને તકેદારી રાખવા સૂચના અપાઈ છે.

કોડીનાર
કોડીનાર તાલુકાના ગીર કાંઠા વિસ્તારમાં આજે બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જોતજોતામાં ભારે પવન સાથે વરસાદ શરૂૂ થતાં સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કોડીનાર તાલુકાના વલાદર, સાંઢણીધાર, પાવટી, કંટાળા, અરણેજ અને ઘાટવડ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને ખેડૂતોએ ખેતરોમાં કાઢીને સૂકવવા માટે રાખેલા મગફળીના પાથરા તેમજ ચણાના પાકને વરસાદના કારણે નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. એક તરફ ખેડૂતો રવિ પાકની લણણી અને મગફળીની માવજતમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વરસાદ શરૂૂ થતાં જ ખેતરોમાં પડેલા મગફળીના પાથરાને બચાવવા ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અચાનક આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વરસાદથી થયેલા પાકના નુકસાનનો અંદાજ આગામી સમયમાં સ્પષ્ટ થશે.

ગીર ગઢડામાં કમોસમી વરસાદનો કહેર,વીજળી પડતાં ભેંસની પાડીનું મોત
ગીર ગઢડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. બાબરિયા સહિત મોતીસર, નિતલી, વડલી, નગડિયા, જશાધાર પંથકમાં વરસાદ પડતાં ખેડૂતો અને પશુપાલકોની ચિંતા માં વધારો થયો છે. એક તરફ ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી, તો બીજી તરફ ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થતાં ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગીર ગઢડા તાલુકાના બાબરિયા ગામે ગાજવીજ સાથે વરસેલા કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં જાશુભાઈ ભગવાન ભાઈ જેઠવાના ખેતરમાં બાંધેલી ભેંસની પાડીનું વીજળી પડતાં મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે પશુપાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગીર ગઢડા પંથકમાં અચાનક વાતાવરણ બદલાતાં પવનના સુસવાટા, વીજળીના કડાકા-ભડાકા અને વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ વરસેલા કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભેલા મગફળી, કપાસ સહિતના વિવિધ પાક પર માઠી અસર થવાની આશંકા સેવાઈ રહી છે.

ગોંડલ
ગોંડલ શહેર તેમજ મોવિયા ગામમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગોંડલ માં અચાનક ફૂંકાયેલા આ મીની વાવાઝોડા નાં કારણે આઇકોનિક રોડ પર ફટાકડાનો ડોમ ધરાશઇ થયો હતો. દિવાળી નાં તહેવારોને અનુલક્ષી ને ગોંડલના વછેરાના વાડા ખાતે ફટાકડાના વેચાણ માટે એક મોટો ડોમ ઊભો કરવામાં આવ્યો હતો. પરંતુ, સાંજના સમયે ત્રાટકેલા વાવાઝોડાના જોરદાર પવનને કારણે ફટાકડાનો આ વિશાળ ડોમ પત્તાની માફક જમીનદોસ્ત થઈ ગયો હતો. આખો મંડપ અને ડોમ પવનના ભારે જોરને કારણે સંપૂર્ણપણે તૂટીને નીચે ઢળી પડ્યો હતો. અચાનક થયેલા આ નુકસાનથી વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ નથી. તાલુકા નાં વાંસાવડ, કંટોલીયા સહિત ગામો માં વરસાદ પડ્યો છે.

ઉપલેટામાં બપોર બાદ વરસાદ
ઉપલેટા શહેરમાં ગઇકાલે બપોરના ચાર વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક 1 ઇંચ આજુબાજુ વરસાદ વરસી હોવાનું જાણવા મળેલ છે અન્ય ઉપલેટા સહિત આજુબાજુના ગામડા વિસ્તારમાં અરણી વડાડી ખીરસરા સમઢીયાળા જેવા ગામડાઓમાં પણ અડધાથી પોણો ઈંચ વરસાદી ઝાપટા પડેલ હોવાનું જણાઈ રહ્યું છે જ્યારે ધોમધકતા તાપ વચ્ચે અચાનક વરસાદ શરૂૂ થતા ધરતી ધન અને લોકોમાં ઠંડક પ્રસરી જવા પામેલ હતી જ્યારે અચાનક પડેલા વરસાદથી ખેતરોમાં પડેલ માંડવી પાકની ભૂસી ને તાલુકા ભરમાં મોટા પ્રમાણે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે બીજી તરફ આ જ ભૂસી ખેડૂતો પોતાના ઢોર ઢાંખર અને માલધારીઓ પોતાના પશુઓ માટે ઉપયોગમાં લેતા હોય ખુલ્લામાં પડેલ ભૂસીને નુકસાન થતાં થોડા દિવસોમાં આમની પણ તાલુકામાં અસર વર્તાય તેવું જાણવા મળી રહ્યું છે.