જામનગરમાં દુષ્કાળને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતનો ફાંસો ખાઇ આપઘાત

જામનગર જિલ્લામાં આ વર્ષે ખાસ કરીને જોડિયા પંથકમાં વરસાદના અભાવે અને પાણીની ભારે તંગીના કારણે ખેતી પર માઠી અસર પડી છે. દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતોની…

જામનગર જિલ્લામાં આ વર્ષે ખાસ કરીને જોડિયા પંથકમાં વરસાદના અભાવે અને પાણીની ભારે તંગીના કારણે ખેતી પર માઠી અસર પડી છે. દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતીમાં પાક નિષ્ફળ જતાં અને આર્થિક સંકડામણ વધતાં વાવડી ગામના એક ખેડૂતે પોતાની વાડીના મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. બે સંતાનોના ભવિષ્યની ચિંતા અને પોતાના પશુધનનું ભરણપોષણ પણ ન કરી શકવાની લાચારી વચ્ચે ખેડૂતનું જીવન ટૂંકાવવાનું આ કરુણ પગલું સામે આવ્યું છે.

આ કરુણ બનાવની વિગત એવી છે કે, જોડિયા તાલુકાના વાવડી ગામના ખેડૂત હેંમતભાઈ હરિભાઈ મકવાણા (ઉ.વ.47) ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ વર્ષે વરસાદની અછત અને પાણીની તંગીના કારણે ખેતીમાં પાક નિષ્ફળ ગયો હતો. પરિણામે તેમની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી. એક તરફ ખેતીમાં આવક થવાની કોઈ આશા રહી નહોતી તો બીજી તરફ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેની ચિંતા તેમને સતાવી રહી હતી.

હેંમતભાઈને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો છે. ખેતીમાં ઉપજ ન થતાં બંને સંતાનોને કેવી રીતે ભણાવશે, તેમનું ભરણપોષણ કેવી રીતે કરશે અને પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે તેવા સવાલો તેમને સતત મૂંઝવતા હતા. એટલું જ નહીં, ખેતીકામમાં ઉપયોગી એવા પોતાના બે બળદોનો નિભાવ કરવો પણ તેમના માટે મુશ્કેલ બની ગયો હતો. પાણીના અભાવ અને બળદોને ખવડાવવા માટે ઘાસચારા સહિતની વ્યવસ્થા ન કરી શકવાની લાચારીના કારણે તેમણે આખરે પોતાના બંને બળદોને રાજકોટના વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની ફરજ પડી હતી.

આમ, ખેતીમાં નિષ્ફળતા, આર્થિક સંકટ, સંતાનોના ભવિષ્યની ચિંતા અને પશુધનને પણ સાચવી ન શકવાની વેદના વચ્ચે હેંમતભાઈ ભારે ચિંતામાં રહેતા હતા. દરમિયાન ગત તા.30ના રોજ વાવડી ગામથી લીંબુડા તરફ જતા રસ્તા પાસે આવેલી પોતાની વાડીના મકાનમાં તેમણે છતના હુકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ તેમના ભાઈ રમેશભાઈ હરિભાઈ મકવાણાએ જોડીયા પોલીસને કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ખેતીમાં પાક નિષ્ફળ જતાં પરિવારનું ભરણપોષણ મુશ્કેલ બન્યું, પશુધનને પણ સાચવી ન શકવાની સ્થિતિ સર્જાઈ અને અંતે બે સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી બેઠાં. દુષ્કાળની કપરી પરિસ્થિતિ વચ્ચે બનેલી આ ઘટનાએ ફરી એક વખત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું છે.