ગુજરાત

વલસાડ-ગણદેવીમાં આભ ફાટ્યું, 12 ઈંચ વરસાદ

Published

on

નવસારી જિલ્લાને ધમરોળી નાખ્યો, 32 કલાકમાં 4થી 12 ઈંચ વરસાદ પડી જતાં અનેક વિસ્તારો પાણીપાણી


દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજાની તોફાની સ્વરૂપ જોવા મળ્યો હતો. છેલ્લા 32 કલાકમાં વલસાડમાં 12 ઈંચ, ગણદેવી 11॥ ઈંચ, ખેરગામ 11॥ ઈંચ, નવસારી 10 ઈંચ, કપરાડા 6॥, ચીખલી 6, પારડી 4॥, ઉમરગામ 4 અનરાધાર વરસાદવરસતા અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે મુખ્યમાર્ગો ઉપર પાણી વહેતા વાહન વ્યવહારને મોટી અસર થઈ છે. તેવી જ રીતે ભારે વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતાં.

નદીઓમાં નવા નીર આવતા જળાશયોની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ પંચાયત હસ્તકના 12 માર્ગો તેમજ સ્ટેટ હાઈવે સહિતના 14 માર્ગો બંધ કરવામાં આવ્યા છે.
વલસાડ શહેરમાં પડેલા ધોધમાર વરસાદ ના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ શહેરના મિશન કોલોની પાછળ આવેલ બોય્સ હોસ્ટેલના પાછળ આવેલા મેદાનમાં પાણી ભરાતા 5 થી 6 જેટલા ઘરોમાં બે દિવસથી ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેથી રહીશોને હાલાકી પડી રહી છે. બે દિવસથી ઘરોમાં પાણી રહેતા રહીસો રસોઈ બનાવી શક્તા નથી, તો સાથે ઘરોની બહાર નીકળી પણ શક્તા નથી. 2013 થી વરસાદ ના કારણે આ વિસ્તારમાં પાણી ભરાય જતા હોય છે. સ્થાનિકો દ્વારા દર વર્ષે પાણી નિકાલ કરવા માટે નાળાઓ નાખવા તથા ગટર બનાવવા માંગ કરવા છતા તંત્રના એક પણ અધિકારી દ્વારા અહીં પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા ન કરવાના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યાં છે. તંત્ર ના પાપે સ્થાનિકો દર વર્ષે પાણીમાં રહેવા મજબુર બન્યા છે.


નવસારી જિલ્લામાં ગતરોજ થી પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાનો જનજીવન પ્રભાવિત થયું છે. જલાલપુર તાલુકાના ખરસાડ ગામે ખાડીના પાણી ફરી વળતા પાંચ ફળિયામાં પૂરની સ્થિતિ બની છે. ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેને કારણે પશુઓની મુશ્કેલી વધી છે. તો બીજી તરફ ઘરમાં પાણી ભરાવાને કારણે ઘરવખરી પણ પલળી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે 2014માં ખાડીની સફાઈ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ખાડીની સફાઈ ન થતા લોકોમાં તંત્ર સામે રોષ વ્યાપી ઉઠ્યો છે. જ્યારે ગામમાં પૂરની સ્થિતિને અટકાવવા ખાડીની સફાઈ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

એક સ્ટેટ હાઈવે, 14 માર્ગો અને 11 બ્રિજ બંધ કરાયા
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે એક સ્ટેટ હાઈવે અને 13 અન્ય મુખ્યમાર્ગો મળી 14 માર્ગો બંધ કરવામા ંઆવતા વાહન વ્યવહારને મોટી અસર પહોંચી છે. તેમજ 11 જેટલા લો લેવલના બ્રીજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વલસાડ, ઉમરગામ તાલુકામાં ભારે વરસાદના પગલે કોસ્ટલ હાઈવે ઉપર પાણી ભરાતા કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. જ્યારે જલાલપુર, ખરસાડ ગામે ખાડીના પાણી ફરી વળતા લોકો અને પશુઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version