સૌરાષ્ટ્ર

ઓનર કિલિંગનો પ્રયાસ: કાઠી યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર યુવક પર ખૂની હુમલો

Published

on

સૌરાષ્ટ્રમાં ઓનર કિલિંગના બનાવો વધી રહ્યાં છે ત્યારે નવ માસ પહેલા કાઠી યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર પ્રજાપતિ યુવકના ઘરે સમાધાનના બહાને આવી યુવતીના પરિવારજનોએ એક કલાક સુધી માથાકુટ કરી દીકરી અમને સોંપી દે તેમ કહી ચારથી પાંચ શખ્સોએ યુવક પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી બળજબરીતી તેની નજર સામે જ તેની પત્નીને ઉપાડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં જામનગર રોડ પર આવેલ મનહરપુર-1માં રહેતા અને ફર્નિચરનું કામ કરતાં પિયુષ યોગેશભાઈ કોરીયા (ઉ.27) નામના પ્રજાપતિ યુવકે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ નજીક ગૌરીદડ ગામે રહેતા રવુભા ધાંધલ, તેમના પત્ની રમજુબેન રવુભા ધાંધલ, પુત્ર રાજવીર રવુભા ધાંધલ, ઓમદેવસિંહ અને ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવકને એકાદ વર્ષ પહેલા ગૌરીદડ ગામે રહેતી રવુભા ધાંધલની પુત્રી રાજેશ્ર્વરી ઉર્ફે આરતી સાથે પ્રેમ સંબંધ હોય ગત તા.31/3/2023નાં બન્ને ભાગીને કોર્ટમાં પ્રેમ લગ્ન કરી લીધા હતાં. ત્યારથી પત્ની તેની સાથે જ સંયુકત પરિવારમાં રહેતી હતી.
ગઈકાલે રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં ફરિયાદી યુવક અને તેના માતા રમાબેન અને પત્ની રાજેશ્ર્વરી ઉર્ફે આરતી ઘરે હતા ત્યારે સાડા દસેક વાગ્યા અરસામાં સસરા રવુભા ધાંધલ અને સાસુ રમજુબેન ધાંધલ સમાધાનના બહાને ઘરે આવ્યા હતાં અને ‘મારી દીકરીને સોંપી દે’ તેમ કહી ફરિયાદી યુવક પર દબાણ કરી રહ્યાં હતાં. એક કલાક સુધી આ રકજક ચાલી હતી.
ત્યારબાદ રવુભા ધાંધલનો દિકરો રાજવીર અને તેના મિત્રો છરી સાથે ફરિયાદીના ઘરે ધસી આવી આરતીને સોંપી દેવાનું દબાણ કરી ઝઘડો કર્યા બાદ રાજવીર અને તેના મિત્રોએ પિયુષ કોરીયા પર છરી સાથે તુટી પડયા હતા અને શરીરમાં આડેધડ અડધો ડઝન જેટલા ઘા ઝીંકી દીધા હતાં. ઓચિંતા હુમલો થતાં પિયુષ ઘરની બહાર દોડી ગયો હતો. જ્યારે બીજી બાજુ આરોપીઓ તેની બળજબરીથી તેની પત્ની રાજેશ્ર્વરી ઉર્ફે આરતીને ઢસળીને પોતાની સાથે લઈ ગયા હતાં.
આ બનાવ બાદ ગંભીર રીતે ઘવાયેલ યુવકને સવારે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. યુનિવર્સિટી પોલીસને બનાવની જાણ થતાં તાત્કાલીક હોસ્પિટલ પર દોડી જઈ યુવકની ફરિયાદ પરથી પૂર્વયોજીત કાવતરું રચી હત્યાનો પ્રયાસ અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

પ્રજાપતિ પરિવાર પર અગાઉ બે વખત હુમલો થયો’તો

રાજકોટની નજીક ગૌરીદડ ગામે રહેતી કાઠી યુવતીના પ્રેમમાં પડેલા પ્રજાપતિ યુવકે નવ માસ પહેલા પ્રેમીકાના ભગાડી જઈ કોર્ટ મેસેજ કરી લીધા હતાં ત્યારથી યુવતીના પરિવારજનો સાથે ડખ્ખો ચાલ્યો આવતો હોય છ માસ પહેલા ફરિયાદીના માતા રમાબેન જેતપુર મકાનના ભાડા લેવા ગયા હતાં ત્યારે ફરિયાદી યુવકના સાડા રાજવીર અને તેના મિત્રોએ ફરિયાદીની માતા ઉપર જેતપુરમાં હુમલો કર્યો હતો. જે અંગે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ચાર માસ પહેલા રામાપીર ચોકડી પાસે ફરિયાદીના મોટાભાઈ મયુર કોરીયા પર પ્રેમીકાના પરિવારજનોએ હુમલો કરી ટાંટીયા ભાંગી નાખ્યા હતાં. જે બનાવ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version