રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં પડોશ ધર્મને લજવીને એક નરાધમે પડોશમાં રહેતી સગીર વયની તરુણીને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સગીરાઓની સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના આશરે ત્રણ માસ પૂર્વેની છે. ભોગ બનનાર તરુણી જ્યારે પોતાના ઘરની આસપાસ હાજર હતી, ત્યારે તે જ રેસિડેન્સીમાં રહેતા મુરલી ઉર્ફે કૃણાલ આહીર નામના શખ્સે તેને એકલી જોઈ હતી. સગીરાની એકલતાનો ગેરલાભ લઈને આરોપીએ અચાનક તેનો હાથ પકડી લીધો હતો અને બળજબરીપૂર્વક તેને પોતાના ઘરે ખેંચી ગયો હતો. ઘરમાં ગયા બાદ આરોપીએ દરવાજો બંધ કરી દીધો હતો અને તરુણીના પ્રતિકાર છતાં ગેરવર્તન કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ હેવાનિયત અહીં જ અટકી ન હતી. પહેલીવાર દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ પીડિત સગીરાને ગંભીર પરિણામોની ધમકી આપી હતી. મુરલીએ સગીરાને ડરાવતા કહ્યું હતું કે, “જો આ વાતની જાણ પરિવારને કે કોઈ અન્ય વ્યક્તિને કરવામાં આવશે, તો તે સગીરા અને તેના સમગ્ર પરિવારને જાનથી મારી નાખશે.” આ ધમકીથી ગભરાઈ ગયેલી અને ભારે આઘાતમાં સરી પડેલી સગીરા લાંબા સમય સુધી ચૂપ રહી હતી. આરોપી આ ડરનો સતત ફાયદો ઉઠાવતો રહ્યો અને અવારનવાર સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે કુકર્મ આચરતો રહ્યો.
લાંબા સમયના આ માનસિક અને શારીરિક ત્રાસ બાદ અંતે આ સમગ્ર ઘટનાની જાણ પરિવારને થઈ હતી. સત્ય બહાર આવતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનોએ સહેજ પણ મોડું કર્યા વિના તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મુરલી આહીર વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે
