અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શાળાઓના હિતને સ્પર્શતા પાંચ અત્યંત મહત્વના પ્રશ્નોના કાયમી અને વ્યવહારુ ઉકેલ માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા માનનીય શિક્ષણમંત્રી સમક્ષ વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી છે.
મહાસંઘે પ્રથમ રજૂઆતમાંPM SHRI શાળાઓમાં અમલમાં મૂકાયેલીSNA-SPARSH પદ્ધતિ અંગે ધ્યાન દોર્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે અગાઉની PFMS પદ્ધતિ સરળ, ઝડપી અને અસરકારક હતી, જ્યારે હાલની પદ્ધતિમાં દરેક બિલ માટે જિલ્લા કક્ષાએ વાઉચર રજૂ કરવાની ફરજ પડતા સમય, નાણાં અને માનવશક્તિનો બિનજરૂૂરી વ્યય થઈ રહ્યો છે. અનેક શાળાઓને માત્ર વાઉચર જમા કરાવવા લાંબું અંતર કાપવું પડે છે, જેના કારણે શૈક્ષણિક કામગીરી પણ પ્રભાવિત થાય છે. તેથી અગાઉની PFMS પદ્ધતિ યથાવત રાખવા અથવાSNA-SPARSH પદ્ધતિમાં જરૂૂરી વ્યવહારુ સુધારાઓ કરવા માંગ કરવામાં આવી છે.
બીજી રજૂઆતમાં PRESA પોર્ટલ દ્વારા પગાર પ્રક્રિયા દરમિયાન ઊભી થતી ટેકનિકલ સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. મહાસંઘે જણાવ્યું છે કે સર્વરની ધીમી ગતિ, વારંવાર આવતી ટેકનિકલ ખામીઓ, રિકન્સિલિયેશનની મુશ્કેલીઓ અને પગાર પ્રક્રિયામાં થતા વિલંબને કારણે શિક્ષકો અને વહીવટી કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી PRESA પોર્ટલને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવાની અથવા અગાઉની સરળ અને વિશ્વસનીય જઅજ પદ્ધતિ પુન: અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.
ત્રીજી રજૂઆતમાં CTS પોર્ટલમાં ઓવરએજ બાળકોના ઓનલાઈન નામંકનની એન્ટ્રી બંધ હોવાના કારણે આવા બાળકોનું સમયસર ઓનલાઈન નામંકન થઈ શકતું નથી, જેના કારણે તેઓ સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓના લાભથી વંચિત રહી શકે છે તેમજ શાળાના મહેકમની વાસ્તવિક ગણતરી પણ પ્રભાવિત થઈ શકે છે. તેથી CTS પોર્ટલમાં ઓવરએજ બાળકોના ઓનલાઈન નામંકનની એન્ટ્રી તાત્કાલિક શરૂૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે.
ચોથી રજૂઆતમાં વર્ષ 2022-23 તથા ત્યારબાદ જિલ્લા/તાલુકા ફેરબદલીના આદેશ થયેલા અનેક શિક્ષકો હજુ સુધી કાર્યમુક્ત થઈ શક્યા નથી તે બાબત રજૂ કરવામાં આવી છે. મહાસંઘે જણાવ્યું છે કે બદલીના આદેશ થયા હોવા છતાં મહેકમની અછતના કારણે ઘણા શિક્ષકો વર્ષોથી પોતાના પરિવારથી દૂર ફરજ બજાવી રહ્યા છે. તેથી જ્યાં જરૂૂરી હોય ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી કરીને તેમજ જ્યાં જ્ઞાન સહાયકો ફરજ બજાવી રહ્યા છે ત્યાં મહેકમમાં ગણતરી કરીને બદલીગ્રસ્ત શિક્ષકોને 100 ટકા કાર્યમુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
પાંચમી રજૂઆતમાં જિલ્લા ફેરબદલી પ્રક્રિયામાં જનરલ તબક્કામાં ખાલી રહેલી અગ્રતાની જગ્યાઓને ક્ધવર્ટ કરીને શ્રેયાનતા યાદી મુજબ વિશેષ જનરલ કેમ્પ યોજવાની માંગ કરવામાં આવી છે. મહાસંઘનું માનવું છે કે આમ કરવાથી વતનથી દૂર ફરજ બજાવતા વધુ શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ મળી શકશે અને સરકારની બદલી નીતિનો હેતુ પણ વધુ અસરકારક રીતે સિદ્ધ થશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ વતી તાલુકા મહામંત્રી રવિન્દ્રભાઈ સરવૈયા, મનીષભાઈ ચાવડા, અભયભાઇ ગોડાસરા અને નિવિદભાઈ વાજાએ જણાવ્યું છે કે આ તમામ રજૂઆતો કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક, સમયબદ્ધ અને વિદ્યાર્થીકેન્દ્રિત બનાવવા માટે કરવામાં આવી છે.
