સિંહબાળ કૂવામાં પડતા માતા કલાકો સુધી કાંઠે ઝૂરતી રહી

ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બોડીદર ગામમાં રેવન્યુ વિસ્તારમાં કૂવામાં પડેલા નાનકડા સિંહબાળને બચાવવા હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માતા સિંહણ અને સિંહની બેચેની જોવા મળી…

ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બોડીદર ગામમાં રેવન્યુ વિસ્તારમાં કૂવામાં પડેલા નાનકડા સિંહબાળને બચાવવા હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માતા સિંહણ અને સિંહની બેચેની જોવા મળી હતી. આશરે દોઢથી બે માસનું નર સિંહબાળ કૂવામાં પડી જતા સિંહ-સિંહણ કૂવાના આસપાસથી હટ્યા નહોતા. રેસ્ક્યુ ટીમે સાવચેતીપૂર્વક કામગીરી કરીને બચ્ચાને સલામત બહાર કાઢ્યું હતું. ત્યારબાદ સારવાર અને દેખરેખ બાદ માતા સાથે તેનું મિલન કરાવવામાં આવ્યું, જ્યાં સિંહણે બચ્ચાને મોંઢામાં ઉચકી જંગલ તરફ પ્રયાણ કર્યું હતું.

આ સિંહ પરિવાર શિકારની શોધમાં ગતરાત્રે ગીરગઢડાના બસ સ્ટેશન વિસ્તારમાં આવી ચડયો હતો. ત્યાંથી બોડીદર રેવન્યુ વિસ્તારમાં આ સિંહ પરિવાર ઘૂસ્યો હતો અને અરવિંદભાઈ નાથાભાઈ રાઠોડની વાડીના કૂવામાં આશરે દોઢથી બે માસનું નર સિંહબાળ પડી ગયું હતું. 6 ઓક્ટોબરની રાત્રે 12:20 કલાકે ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કૂવાની આસપાસ સિંહ અને સિંહણની હાજરી હોવાથી રેસ્ક્યુ કામગીરી દરમિયાન વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી.

રેસ્ક્યુ ટીમ બચ્ચાને બહાર કાઢવાની તૈયારી કરી રહી હતી ત્યારે સિંહણ વારંવાર કૂવા પાસે વ્યાકુળતાથી ટહેલતી રહી હતી. સિંહ પણ કૂવાના આસપાસ ફરતો રહ્યો હતો. બચ્ચું કૂવામાં ફસાયું હોવાની જાણે બંનેને ચિંતા હોય તેમ તેઓ લાંબા સમય સુધી કૂવાના વિસ્તારથી દૂર ગયા નહોતા.

સિંહ-સિંહણની હાજરી વચ્ચે રેસ્ક્યુ ટીમે અત્યંત સાવચેતી સાથે કામગીરી હાથ ધરી હતી. રાત્રે 12:20 કલાકે શરૂૂ થયેલી કામગીરી બાદ આશરે 1:25 કલાકે નાનકડા સિંહબાળને કૂવામાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું.

કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહબાળને જરૂૂરી સારવાર અને દેખરેખ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યું હતું. સારવાર બાદ તેની સ્થિતિ યોગ્ય જણાતા તેને ફરી તેની માતા સાથે મિલન કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સિંહબાળને તેની માતા સાથે મિલન કરાવવામાં આવતા સિંહણે તરત જ પોતાના બચ્ચાને મોંઢામાં ઉચકી લીધું હતું અને ત્યાંથી જ સિંહણ બચ્ચાને લઈને જંગલ તરફ રવાના થઈ હતી. આ સમગ્ર દૃશ્યે વન્યજીવનમાં માતા અને સંતાન વચ્ચેના અતૂટ બંધનની લાગણીસભર ઝલક રજૂ કરી હતી.