જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં દેશી દારૂૂના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવવો એક યુવકને ભારે પડ્યો છે. દારૂૂ વેચવાની ના પાડવા બાબતે અદાવત રાખી બુટલેગર પરિવારે ફરિયાદીના ઘર પર હુમલો કરી જામગરી બંદૂકમાંથી ફાયરિંગ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભંડુરી ગામમાં રહેતા 33 વર્ષીય એજાજ સુલેમાનભાઈ ગંભીરના ઘરની સામે રહેતી રોશનબેન હુશેનભાઈ સાળ છેલ્લા બે વર્ષથી ચોરી-છૂપીથી દેશી દારૂૂનો વેપાર કરતી હતી. ફરિયાદી એજાજભાઈ દ્વારા આ ગેરકાયદે પ્રવૃત્તિનો અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો, જેનું મનદુ:ખ રાખીને આરોપીઓ અવારનવાર તકરાર કરતા હતા. ગત 6 ઓક્ટોબરની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે રોશનબેન, તેમના બંને પુત્રો (આસીફ અને ઈમ્તીયાઝ), જમાઈ રસુલ સહિતના પરિવારજનો હથિયારો સાથે એજાજભાઈના ઘરે આવી પહોંચ્યા હતા. આરોપીઓએ ગાળાગાળી કરી “તમે દારૂૂ વેચવાની ના કેમ પાડો છો? બહાર નીકળશો તો જાનથી પતાવી દઈશું” તેવી ધમકીઓ આપી હતી.
આ વિવાદ દરમિયાન દહેશત ફેલાવવાના ઈરાદે આરોપી આસીફ સાળે પોતાની પાસે રહેલી દેશી લાકડાની જામગરી બંદૂકમાંથી એજાજભાઈના ઘર સામે સીધું ફાયરિંગ કર્યું હતું. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીઓએ અગાઉ 15 દિવસ પહેલાં પણ બે રાઉન્ડ ફાયરિંગ કરીને ભયનો માહોલ ઊભો કર્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂૂમ 112 પર કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ બનાવ સંદર્ભે માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 351(3), 352, 54 તેમજ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બે મુખ્ય આરોપીઓને તાત્કાલિક રાઉન્ડઅપ કરી લેવાયા છે.
