Site icon Gujarat Mirror

મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડ

વડોદરા ભાજપ મહાનગર અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળી સાણસામાં

મહીસાગર જિલ્લામાં ગાજેલા કરોડો રૂૂપિયાના ’નલ સે જલ’ યોજનાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કૌભાંડમાં ભાજપના વધુ એક હોદ્દેદારની સંડોવણી બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. સીઆઈડી ક્રાઈમ વડોદરા દ્વારા વડોદરા મહાનગર ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા ભ્રષ્ટાચાર મામલે સીઆઈડી ક્રાઈમ વડોદરા દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના ધમધમાટમાં અત્યાર સુધી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. વડોદરા ભાજપના નેતા મુકેશ શ્રીમાળીની સીધી સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડમાં અગાઉ પણ ભાજપના બે મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 23 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

માત્ર નેતાઓ જ નહીં, પરંતુ આ ભ્રષ્ટાચારમાં મિલીભગત રાખનારા કોન્ટ્રાક્ટરો સામે પણ કાયદાકીય ગાળિયો કસાયો છે. સીઆઈડીની તપાસમાં કોન્ટ્રાક્ટરોની મુખ્ય ભૂમિકા સામે આવતા તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેટલાક કોન્ટ્રાક્ટરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. મહીસાગરમાં કરોડોના ખર્ચે બનેલી પાણીની યોજનામાં થયેલા આ વ્યાપક ભ્રષ્ટાચારને લઈને સીઆઈડી ક્રાઈમ દ્વારા એક પછી એક ધરપકડના દોરને પગલે કૌભાંડીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

Exit mobile version