છેલ્લા 10 વર્ષથી આતંક મચાવતી ટોળકી સામે હત્યા, લૂંટ, પોલીસ ઉપર હુમલા સહિતના 34 ગુના, મિલકત અંગે એસઆઇટી દ્વારા તપાસ
શહેરમાં વર્ષોથી આતંક મચાવનાર અને ગંભીર ગુનાખોરી આચરતી થોરાળાની કુખ્યાત ઓડિયા ગેંગ વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચે આકરા કાયદા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. ધી ગુજરાત કંટ્રોલ ઓઠ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ-2015 હેઠળ ગુનો દાખલ કરી ગેંગમાં સામેલ નવ લોકોને પકડી લેવાયા હતા જયારે ટોળકીનો એક સભ્ય પાસા હેઠળ જેલહવાલે હોય ત્યાંથી તેનો કબજો મેળવવામાં આવશે. આ ગેંગના સભ્યો સામે ખૂન, લૂંટ અને હુમલા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાથી ક્રાઈમ બ્રાંચે કડક વલણ અપનાવ્યું છે.
આ ગેંગનો મુખ્ય સૂત્રધાર અવેશ આયુબભાઈ ઓડિયા છે, જે પોતાની ગેંગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવતો હતો.આ ગેંગ સામે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, જમીન પચાવી પાડવી અને સરકારી અધિકારીઓ પર હુમલા જેવા કુલ 34 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ટોળકીનો મુખ્ય સૂત્રધાર અવેશ ઓડિયા ’પાસા’ હેઠળ જેલવાસ ભોગવી રહ્યો છે, ક્રાઈમ બ્રાંચની ટીમે થોરાળાની ઓડિયા ગેંગના અવેશ અયુબભાઈ ઓડિયા,અરબાઝ રફીકભાઈ રાઉમા,શબ્બીર ઉર્ફે બોદુ સતારભાઈ ઓડિયા,ઈમ્તિયાઝ આબીદભાઈ ઓડિયા,નયન જ્યોતિષભાઈ ટાકડા,આબીદ ગનીભાઈ ઓડિયા,અનિશ આબિદભાઈ ઓડિયા,અબ્દુલ અનવરભાઈ દલ,શાહિદ અશરફભાઈ ઓડિયા અને મિત કિશોરસભાઈ પરમારની ધરપકડ કરી છે. આ ગેંગનું સંચાલન અવેશ અયુબભાઈ ઓડિયા કરતો હતો જે હાલ પાસા હેઠળ ભાવનગર જેલમાં હોય ત્યાંથી તેનો કબજો મેળવાશે. પોલીસ દ્વારા હવે આરોપીઓએ વસાવેલી મિલકત સહિતની પણ તપાસ કરાશે.
બે મહિનામાં શહેરની ચાર ગેંગ સામે ગુજસીટોક હેઠળ રેકોર્ડબ્રેક કાર્યવાહી
મંગળા મેઈન રોડ પર બે કુખ્યાત મરઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગના બનાવ બાદ પોલીસે શહેરમાં ગુનાખોરી આચરતા અને ભય ફેલાવતા ગુનેગારો સામે ઓપરેશન લુખ્ખા હેઠળ કાર્યવાહી શરુ કરી શહેર માંથી આવી ગેંગનો સફાયો કરવા ગુનેગારો ’ગેંગ’ શબ્દ જ ભૂલી જાય તેવી કાર્યવાહી કરી બે મહિનાની અંદર જ મરઘા ગેંગ અને પેંડા ગેંગ તેમજ બાટલી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કર્યા બાદ હવે થોરાળાની ઓડિયા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એસ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.જે.જાડેજા અને તેમની ટીમે બે મહિનામાં જ ચારેય ગેંગના મળી કુલ દૂર ટપોરીઓને ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલી દઈ રેકોર્ડબ્રેક કાર્યવાહી કરી સાથે સાથે ગેરકાયદેસર મિલકતોને ટાંચમાં લઈ આર્થિક રીતે પણ તેમની કમર તોડી નાખવામાં આવી છે.

