રાજકોટમાં એકબાજુ લગ્નગાળો અને બીજીબાજુ કાળજાળ ગરમીથી ફૂડ અને પાણીજન્ય રોગચાળાએ અજગર ભરડો લીધો છે. છેલ્લા એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી ઉપરાંત વાયરલ રોગચાળાના કેસ વધ્યા છે.
મનપાની આરોગ્ય શાખાના અઠવાડિક રિપોર્ટ પરથી રોગચાળાની ચિંતાજનક હાલત સામે આવી છે. ઝાડા-ઉલ્ટી, તાવ સહિતના 1886થી વધુ કેસ નોંધાયા છે અને આ આકડાં માત્ર સરકારી હોસ્પિટલ અને મનપાના આરોગ્ય કેન્દ્રમાં આવેલા કેસ છે. ખાનગી હોસ્પિટલનો સર્વે કરવામા આવે તો રોગચાળાના કેસની ચિંતાજનક સ્થિતિ સામે આવી શકે છે. મનપાએ જાહેર કરેલા અઠવાડિક કેસમાં શરદી-ઉધરસના 749, તાવના 711, ઝાડા-ઉલ્ટીના 423 કેસ નોંધાયા છે.
શહેરમાં વાયરલ રોગચાળાની સાથે મચ્છરજન્ય રોગચાળો પણ કાબૂમાં આવતો નથી. સામાન્ય રીતે ચોમાસામાં જ ચોખ્ખા પાણીમાં થતા ડેન્ગ્યૂના મચ્છરોનું બ્રીડીંગ સતત થતુ રહે છે. ડેન્ગ્યૂના વધુ 1, મેલેરિયાના અને ચિકનગુનિયાના 1 કેસ નોંધાયા છે.
રાજકોટમાં 43-44 ડીગ્રી વચ્ચે પણ અમુક વિસ્તારમાં મચ્છરો લોકોને તોબા પોકારાવી રહ્યા છે. આવા ઉનાળામાં પણ ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસ નોંધાયા છે. મનપાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તા.27/04/2026 થી તા.03/05/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 44111 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ફિલ્ડવર્કરો દ્વારા 203 ઘરોમાં ફોગીંગ કામગીરી થઇ હતી.
શહેરમાં રહેણાક સિવાય અન્ય 823 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 280 અને કોર્મશીયલ 34 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
