ભાવનગરની ચર્ચિત મિલકત પ્રકરણના વધુ એક આરોપીનું જેલમાં મોત, મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

ભાવનગર શહેરના બહુચર્ચિત એક મિલકતના પ્રકરણમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. આ પ્રકરણમાં અગાઉ સતુભા સરવૈયાનું જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું, ત્યારબાદ હવે ક્ષત્રિય…

ભાવનગર શહેરના બહુચર્ચિત એક મિલકતના પ્રકરણમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. આ પ્રકરણમાં અગાઉ સતુભા સરવૈયાનું જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું, ત્યારબાદ હવે ક્ષત્રિય સમાજના વધુ એક અગ્રણી પથુભા પીપરાળીનું પણ જેલવાસ દરમિયાન મૃત્યુ થતા સમગ્ર ભાવનગરમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે રાજકારણ પણ ગરમાયું છે.

મળતી માહિતી મુજબ, ભાવનગરના વિજચોર અને વીતેલા જમાનામાં નિર્મળનગરમાં દરબાર હાઉસ ધરાવતા સતુભા સરવૈયાનું થોડા સમય પહેલા જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું. કહેવાય છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. દરમિયાન આજે આવા જ એક પ્રકરણમાં પથુભા પીપરાળીનું પણ જેલવાસ દરમિયાન મૃત્યુ થયું છે અને તેમને પણ હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પીએમ પેનલ થયા બાદ જ સમગ્ર બાબત સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.

પથુભા પીપરાળીના પરિવારજનો અને સર ટી હોસ્પિટલ ખાતે એકત્રિત થયેલા સમાજના આગેવાનોનું કહેવું છે કે, પથુભા પીપરાળીને ઘરે ફોન આવ્યો હતો કે સર ટી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂૂમે પહોંચો, પથુભાનું મૃત્યુ થયું છે. આ સમાચાર મળતા જ પરિવારજનો અને સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અહીં એકત્રિત થયેલા સમાજના આગેવાનો અને પરિવારજનોએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, આ સમગ્ર પ્રકરણમાં રાજકારણ છે. જ્યાં સુધી આ મામલે SIT અથવા CID દ્વારા યોગ્ય અને તટસ્થ તપાસ નહીં થાય અને તેની ખાતરી ન મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે, બહુ ચર્ચામાં આવેલા આ મિલકત પ્રકરણમાં સતુભા સરવૈયા, કાળીયાબીડના પદુભા થોરડી, પથુભા પીપરાળી, મહાવિરસિંહ ગોહિલ (ગલકુ) અને તેના પુત્ર સહિતના લોકો જેલવાસ ભોગવી ચૂક્યા છે અને ભોગવી રહ્યા છે. આમાંથી સતુભા સરવૈયા અને પથુભા પીપરાળીના મૃત્યુ થયા છે. હજુ ત્રણ લોકો જેલમાં છે અને આ તમામની સામે ગુજસીટોક લાગેલો છે. પદુભા થોરડીની સ્થિતિ અત્યારે ખૂબ જ ચિંતાજનક હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને તેઓ અમદાવાદ જેલમાં હોવાનું કહેવાય છે.

થોડા સમય પહેલા જ આ પ્રકરણના આરોપી મહાવિરસિંહ ગોહિલ (ગલકુ) ને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પથુભા પીપરાળી થોડા સમય પહેલા પેરોલ પર પણ બહાર આવ્યા હતા. આજે બનેલી આ ઘટનાને લઈ માહોલ રાજકીય રીતે પણ અને સમાજની રીતે પણ ગરમાયો છે.