રાજકોટમાં વકરી રહેલી ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા દબાણમુક્ત રોડ અને રાહદારીઓ માટે ફૂટપાથ ખુલ્લી કરવા મહાનગરપાલિકા દ્વારા જ્યા સૌથી વધુ ટ્રાફિક સમસ્યા રહે છે તેવા 23 રોડને હોકર્સ ફ્રી જાહેર કરવામા આવ્યા છે. આ રોડ પરથી જો કોઇ રેકડી-કેબીન-દુકાનદાર કે કોમ્પ્લેક્સના સાઇન બોર્ડ સહિતના દબાણો અને અન્ય માલસામાન જપ્ત થશે તો કાયમ માટે છોડવામા નહીં આવે. ગઇકાલે આ જાહેરાત થયાના બીજા જ દિવસે આજથી તમામ 23 મુખ્ય રાજમાર્ગો પરથી રેંકડી-કેબીન, પાથરણું અને હંગામી સ્ટોલ સહિતના તમામ અસ્થાયી દબાણો દૂર કરવા ખાસ ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી રહી છે. ત્રણેય ઝોનમાં 6 ટીમ ઉતારવામા આવી છે.
આ ઝુંબેશ અંગે એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસર કેપ્ટન બારીયાએ જણાવ્યું હતું કે, જનરલ બોર્ડના ઠરાવ મુજબ મનપા વિસ્તારમાં આવતા મુખ્ય 23 રોડ કે ફૂટપાથ ઉપર કોઈપણ પ્રકારનું દબાણ કે ધંધાકીય પ્રવૃત્તિ ન થાય, ટ્રાફિક ઓછો થાય અને પગપાળા ચાલતા નાગરિકો માટે ફૂટપાથ ખુલ્લી મળે તે માટે છેલ્લા બે મહિનાથી દુકાનદારો, પાથરણાવાળા અને રેંકડી કેબીનધારકોને ચેતવણી આપીને સમજાવવામાં આવ્યા હતા. આજે તેમને અપાયેલી મુદ્દત પૂરી થાય છે, ત્યારે આજથી જ દૈનિક ધોરણે ત્રણેય ઝોનમાં બબ્બે સંયુક્ત ટીમો ઉતારીને હોકર્સ-ફ્રી રોડ પર સતત ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
કેપ્ટન બારીયાએ વધુમાં સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ વ્યક્તિ પ્રતિબંધિત વિસ્તારમાં રેંકડી-કેબીન કે અન્ય કોઈ અસ્થાયી દબાણ કરશે, તો તેમનો સામાન કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે અને તે પાછો આપવામાં કે છોડવામાં આવશે નહીં. આ કામગીરી સતત ચાલુ રહેશે. નવી હોકર્સ નીતિ અને વૈકલ્પિક પ્લોટની ફાળવણી મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલી સર્વગ્રાહી નીતિ મુજબ, જાહેર કરાયેલા 23 હોકર્સ-ફ્રી માર્ગો પર કોઈપણ પ્રકારની અનધિકૃત ધંધાકીય પ્રવૃત્તિ પર સખત મનાઈ રહેશે. બીજી તરફ, હોકર્સ ઝોનમાં 80 ટકા જગ્યા શાકભાજી, ફ્રૂટ અને કટલેરીના ધંધાર્થીઓ માટે તથા 20 ટકા જગ્યા અન્ય ફેરિયાઓ માટે અનામત રાખવામાં આવી છે. જોકે, નવી નીતિ હેઠળ ગેરેજ, નવા ચા-પાનના ગલ્લા, તેમજ ઈંડા અને નોનવેજ માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
અઠવાડિક બજાર, રાઇડસ માટે નિયત કરાયેલી જગ્યા
વિવિધ વિસ્તારોમાં ઊભા રહેતા રાઇડ્સ ધારકો અને ગેમઝોન માટે યોગ્ય સ્થળે હોકર્સ ઝોન બનાવવા વાંકાનેર સોસાયટી પાસે, યુનિવર્સિટી ગેટની બાજુમાં અને મોરબી રોડ જકાત નાકા પાસેના પ્લોટ પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે અઠવાડિક બજારો માટે એડીબી હોટલ સામે રેલનગર, ન્યારી ડેમ રોડ, મોરબી રોડ અને મવડીમાં કણકોટ બીજો રીંગ રોડ ખાતેના પ્લોટની પસંદગી કરવામાં આવી છે.
ટ્રાફિક સર્કલ પર જાહેરાતના બોર્ડ મુકનારની ખેર નથી, જો કે રાજકીય પાર્ટીઓ પાસે તંત્ર ઘુંટણિયે
મનપાની જગ્યા રોકાણ શાખાએ આજે એક અખબારી યાદી મારફતે ચેતવણી આપી છે કે, ટ્રાફિક સર્કલ પર જાહેરાતના હોર્ડિંગ્સ-બેનર મુકનાર સામે કડક કાર્યવાહી થશે. નિયત કરાયેલા સ્થળે પણ પરવાનગી મેળવીને જ હોર્ડિંગ્સ-બેનર કે અન્ય જાહેરાત મુકવાની રહેશે. આમછતા ટ્રાફિક સર્કલ પર બેનર કે અન્ય જાહેરાત મુકવામા આવશે તો આકરો દંડ વસુલ કરાશે. જો કે દંડની આ નવી નીતિમાં રાજકીય પાર્ટીઓ પાસે તંત્ર ઘુંટણિયે પડશે તેમા પણ શંકાને કોઇ સ્થાન નથી.
આટલા રોડ પર દબાણ કરતા પહેલા ચેતજો
યુનિવર્સિટી રોડ(કોટેચા ચોક થી યુનિવર્સિટી ગેઇટ સુધી), રૈયા રોડ(કિશાનપરા ચોક થી સાધુ વાસવાણી રોડ સુધી), નાના મવા મેઈન રોડ(લક્ષ્મીનગર નાલા થી મોકાજી સર્કલ સુધી), પુષ્કરધામ મેઈન રોડ(યુનિવર્સિટી રોડ થી કાલાવડ રોડ સુધી), નાણાવટી ચોકથી મીરાનગર મેઈન રોડ, સાધુ વાસવાણી રોડ(યુનિવર્સિટી રોડ થી રૈયા રોડ સુધી), સોનીબજાર રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, પરાબજાર રોડ, કેનાલ રોડ(લોધાવાડ ચોક થી જિલ્લા ગાર્ડન સુધી), ડો.યાજ્ઞિક રોડ(ત્રિકોણબાગ થી જિલ્લા પંચાયત ચોક સુધી), જંકશન સ્ટેશનવાળો રોડ (હોસ્પિટલ ચોક બ્રિજ થી પોપટપરા નાલા સુધી), ગુંદાવાડી મેઈન રોડ, ઢેબરભાઇ રોડ(ત્રિકોણ બાગ થી પી.ડી.એમ ફાટક સુધી), કસ્તુરબા રોડ(જ્યુબીલી થી બહુમાળી ભવન ચોક સુધી), કુવાડવા રોડ(હોસ્પીટલ ચોક થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી), પેડક રોડ(ભાવનગર રોડ થી પેડોક સુધી), સંત કબીર રોડ(ભાવનગર રોડ થી માર્કેટીંગ યાર્ડ સુધી), કોઠારીયા રોડ(માનવ આશ્રમ થી રણુજા મંદિર સુધી), આડો પેડક રોડ(ગોધેશ્વર મંદિર થી સંત કબીર નાલા સુધી), કોઠારીયા સોલ્વંટ રોડ(માલધારી ફાટક થી દરગાહ સુધી), અમીન માર્ગ(રેલ્વે ટ્રેક થી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ રોડ સુધી), અક્ષર માર્ગ(કાલાવડ રોડ થી નાના મવા રોડ સુધી).
