મચ્છરનું બ્રિડીંગ માટે આકરા દંડની અમલવારી પૂર્વે નવી પોલીસીમાં લોકોના સુચનો મગાવાયા

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય અને મેલેરિયા શાખા દ્વારા નિયમિત રીતે ઘરે-ઘરે અને વિવિધ સ્થળોએ ચેકીંગ, ફોગીંગ અને દવા છંટકાવ સહિતની કામગીરી સતત કરવામાં આવે છે. જો…

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય અને મેલેરિયા શાખા દ્વારા નિયમિત રીતે ઘરે-ઘરે અને વિવિધ સ્થળોએ ચેકીંગ, ફોગીંગ અને દવા છંટકાવ સહિતની કામગીરી સતત કરવામાં આવે છે. જો કે, મનપાની ટીમો વારંવાર ચેકીંગ કરે અને નોટિસ આપે તેમ છતાં કેટલાક મીંઢા અને રીઢા લોકો પોતાની બેદરકારી છોડતા નથી. આવા વારંવાર નિયમોનો ભંગ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નવો કાયદો બનાવવામા આવ્યો છે. મચ્છરનું બ્રીડીંગ પ્રથમ વખત પકડાશે તો રૂૂ.2000, બીજીવખત પકડાશે તો 5000 અને ત્રીજીવાર પકડાશે તો એ આસામીને સીધો જ રૂૂ.10 હજારનો દંડ કરવામા આવશે. નોટિસ આપવા છતા જો બેદરકારી ચાલુ રહેશે તો દરોજ રૂૂ.200ના દંડની પણ જોગવાઇ આ નવા કાયદામાં રાખવામા આવી છે. આ નવી ડ્રાફ્ટ પોલીસીની અમલવારી પૂર્વે લોકોના સુચનો મગાવવામા આવ્યા છે.

મચ્છર બ્રીડીંગ માટે અત્યાર સુધી સામાન્ય દંડ હતો. પરંતુ હવે નવા કાયદામાં આકરી પેનલ્ટી સહિત કડક પગલાંની જોગવાઇ છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મચ્છર અને અન્ય જીવાતોના ઉપદ્રવ સામે નિયંત્રણ લાવવા વર્ષ 1983ના જૂના નિયમો રદ કરીને નવા બાયલોઝ 2026 લાવવાની ઠરાવ કરવામાં આવ્યો છે. અગાઉ મહત્તમ દંડ રૂૂ. 500 સુધી અને નોટિસ બાદ દરરોજ રૂૂ. 20 હતો, જેના સ્થાને હવે પ્રથમ ભંગમાં રૂૂ. 2,000, બીજા ભંગમાં રૂૂ. 5,000 અને ત્રીજા કે વારંવારના ભંગમાં રૂૂ. 10,000 સુધીના દંડની જોગવાઈ સૂચવવામાં આવી છે. નોટિસ છતાં ભંગ ચાલુ રહે તો દરરોજ રૂૂ. 200 સુધીનો દંડ થઈ શકશે. ઉપરાંત, એક જ સ્થળે વારંવાર મચ્છર ઉત્પત્તિ જણાય તો બિન-રહેણાંક મિલકતને સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકશે. આ નવો બાયલોઝ અમલી બનાવી આકરા દંડની વસુલાત ચાલુ કરવામા આવે એ પહેલા નવા કાયદાની આ ડ્રાફ્ટ પોલીસીના ઘડતર માટે લોકોના સુચનો મગાવવામા આવ્યા છે. નાગરિકોએ પોતાના સુચનો biologistrmc yahoo.in પર મોકલી શકાશે. નવી ડ્રાફ્ટ પોલીસી મનપાની વેબસાઇટ www.rmc.gov.in પર મુકવામા આવી છે.