ગુજરાત
યોગા કરતા પ્રૌઢ અને ક્લિનિકમાંથી દવા લઇ જતા કારખાનેદારનું હાર્ટએટેકથી મોત
શીયાળાની શરૂઆત થતા ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યુ છે. ત્યારે રાજયભરમાં ઠંડીની સાથોસાથ હૃદય રોગના હુમલા પણ વધી રહ્યા છે. શહેરમાં આજે વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા હતા જેમાં મવડી વિસ્તારમાં વિશ્ર્વનગરમાં રહેતા પ્રૌઢનું યોગા કરતી વેળાએ ઢળી પડતા અને લક્ષ્મીનગરમાં રહેતા કારખાનેદાર યુવાનનું કલીકનીકમાંથી દવા લઇ પરત આવતી વેળાએ ઢળી પડતા મોત નીપજ્યુ હતુ. યુવાન અને પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નીપજ્તા બંન્ને પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં આવેલા લક્ષ્મીનગરમાં રહેતા અને વિરાણી ઘાટમાં કારખાનું ધરાવતા દીપેશ વ્રજલાલ જોટાણીયા નામનો 42 વર્ષનો યુવાન રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં માયાણી ચોકમાં હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે. દીપેશ જોટાણીયાને શાંતિમાં દુખાવો થતા ખાનગી ક્લિનિકમાં દવા લેવા માટે ગયો હતો. જ્યાંથી દવા લઈ પરત ફરતો હતો. ત્યારે ક્લિનિક પાસે જ ઢળી પડતા મોત નીપજ્યું હતુ.
બીજા બનાવમાં મવડી મેઇન રોડ પર વિશ્ર્વનગર-9માં રહેતા રાજેશભાઇ બાબુભાઇ લાઠીયા (ઉ.વ.55)નામના પ્રૌઢ આજે સવારે 7 વાગ્યે પોતાના ઘરે યોગા કરતા હતા બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલાજ તેમનું મોત નિપજ્યુ હતુ તબીબો દ્વારા હાર્ટ એટેકથી મોત થયાનું જણાવાયુ છે. મૃતક પૌઢ ચાર ભાઇ એક બહેનમાં નાના અને લાદી કામ કરતા હતા. તેમને સંતાનામાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે.