કચ્છ

કચ્છમાં ઇદના દિવસે બોલેરોના ચાલકે આઠ વર્ષના બાળકને કચડી નાખતાં મોત

Published

on

આજે સવારે ખાવડાની કોટડા ચેકપોસ્ટ પાસે ધ્રોબાણાના ધુબારાવાંઢનું આઠ વર્ષીય બાળક રિઝવાન રાજપાર સમા માર્ગ પર પગે જઇ રહ્યું હતું, ત્યારે બોલેરોએ તેને કચડી નાખતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. ઇદના દિવસે જ પરિવાર પર આભ તૂટી પડયું હતું, જ્યારે અંજારમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ખાવડા પાસેની કોટડા ચેકપોસ્ટ નજીક થયેલા કરુણ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં ધ્રોબાણા ધુબારાવાંઢ (ખાવડા)નો આઠ વર્ષીય માસૂમ રિઝવાન રસ્તો પાર કરી રહ્યો હતો ત્યારે બાલેરો નં. જી.જે. 12 સી.ટી. 5654એ તેને કચડી નાખતાં માથા તથા પગમાં ગંભીર ઇજાનાં પગલે ઘાયલ થયો હતો. પ્રથમ ખાવડા બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો.

આ અકસ્માત અંગે રિઝવાનના કાકા રસીદ જાકબ સમાએ વિગતો જાહેર કરી ખાવડા પોલીસ મથકે બોલેરોચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ઇદના દિવસે જ આ ગોઝારી ઘટનાથી પરિવાર અને સંબંધીઓ પર આભ તૂટી પડયું હતું. બીજી તરફ અંજારમાં જેસલ તોરલ નજીક આવકાર ગેસ્ટહાઉસ, તુલસી સોડા શોપની બાજુમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ભિક્ષુક જેવો લાગતો આ યુવાન ગઇકાલે સવારે બેભાન મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનના પગમાં પાટો બાંધેલો છે. તેના સંબંધીઓએ અંજાર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version