આંતરરાષ્ટ્રીય

અમેરિકા-બ્રિટનનો શેખ હસીનાને રાજ્યાશ્રયનો ઇનકાર

Published

on

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીના ઉતાવળે ભારતના હિંડન એરપોર્ટ પર પહોંચી ગયા. હાલ હસીના ત્યાં એક ખાસ ગેસ્ટ હાઉસમાં રોકાઈ રહી છે. પહેલા યોજના એવી હતી કે શેખ હસીના થોડા સમય માટે ભારતમાં રોકાશે અને લંડન જવા રવાના થશે, પરંતુ હવે તેના પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.હાલમાં તેઓ લંડન જવા માટે બ્રિટિશ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.


તેની ઔપચારિક આશ્રય વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. બ્રિટનમાં શેખ હસીનાના આશ્રયના દરજ્જા પર હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ અમેરિકાએ પણ તેમના માટે પોતાના દરવાજા બંધ કરી દીધા છે. યુએસએ શેખ હસીનાના યુએસ વિઝા કેન્સલ કરી દીધા છે, એટલે કે તે અત્યારે અમેરિકા પણ જઈ શકે તેમ નથી.


બ્રિટિશ ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર આશ્રય મેળવવા માટે શેખ હસીનાએ પહેલા તે દેશમાં આશ્રયનો દાવો કરવો જોઈએ જ્યાં તે પ્રથમ પહોંચે છે. બ્રિટનનું માનવું છે કે સુરક્ષાનો આ સૌથી ઝડપી માર્ગ છે. આ કારણોસર હસીનાની યુકેમાં આશ્રયની વિનંતી હજુ પેન્ડિંગ છે. પરંતુ શેખ હસીનાની બહેન શેખ રેહાના અને ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીક જેઓ બ્રિટિશ નાગરિક છે તેમની આશ્રય વિનંતી માટે સૌથી મજબૂત મુદ્દા છે.


અમેરિકાએ શેખ હસનીના વિઝા રદ કર્યા જેનો અર્થ છે કે તે હવે યુએસ પ્રવાસ કરી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે તેમના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા નહોતા. જેના કારણે તેઓ હવે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હસીનાએ અમેરિકાને બેઝ બનાવવા માટે આ આઈલેન્ડ આપવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.


આ બધી અનિશ્ચિતતાઓને કારણે શેખ હસીનાની યાત્રા અટકી ગઈ છે. હસીના ભારતમાં હજુ થોડા દિવસો રોકાઈ શકે છે. આ મામલે ભારત સરકારનું નિવેદન પણ સામે આવ્યું છે. સરકારે કહ્યું છે કે તે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના પર નિર્ભર છે કે તે ભારતમાં રહેવા માંગે છે કે નહીં. તેઓએ પોતાની યોજનાઓ જાતે નક્કી કરવી જોઈએ.


ભારત સરકારે તેમને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. ભારત સરકાર બાંગ્લાદેશના આર્મી ચીફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના પણ સંપર્કમાં છે. ભારતીય હાઈ કમિશન અને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની પ્રાથમિકતા છે. આ સિવાય ભારત સરકારે બાંગ્લાદેશી સુરક્ષા દળોને બાંગ્લાદેશમાં હાજર હિન્દુઓ પર હુમલા રોકવા માટે પણ કહ્યું છે.

મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બનશે વચગાળાની સરકાર
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ બાદ વચગાળાની સરકાર બનવા જઈ રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં બંગા ભવન (રાષ્ટ્રપતિ હાઉસ) ખાતે એક બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ વચગાળાની સરકારનું નેતૃત્વ કરવાના મોહમ્મદ યુનુસના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. અનામત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓની સાથે ત્રણેય સેનાના વડાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી. મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના કટ્ટર વિરોધી છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડવા પાછળનું આ પણ એક મુખ્ય કારણ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version