રાષ્ટ્રીય

વિજ્ઞાન અને આધ્યાત્મના સંગમરૂપ હવન પર અદ્ભુત રિસર્ચ

Published

on

અજમેરના ડો. વિજયલતા રસ્તોગીએ ‘સ્ટડી ઓન એન્ટિ બેક્ટેરિયલ ઈફેક્ટ એન્ડ કેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ હવન સ્મોક’ વિષય પર કર્યું છે રિસર્ચ

નાનકડા પાત્રમાં છાણાનો ટુકડો, કપૂર, અજમા ,જવ, ઘી વગેરેથી ફક્ત દસ મિનિટ આહુતિ આપવામાં આવે તો પણ ઘરનું વાતાવરણ દિવ્ય અનુભવાય: ડો.વિજયલતા રસ્તોગી

‘મેડિકલ ફિલ્ડમાં હોવા છતાં હર હંમેશ વિચાર આવતો કે વિજ્ઞાનથી પણ આગળ કંઈક છે. બાળપણથી જ વનસ્પતિ,વૃક્ષો,ફૂલો વગેરેમાં રસ હતો.બ્રાહ્મણ પરિવારમાં જન્મ હોવાથી પૂજા, પાઠ અને હવન નજર સમક્ષ જોયા હતા અને અનુભવ્યા હતા.2011ની સાલમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન સાસુ સાથે હવન કરતી વખતે જળના છંટકાવ સમયે જે પરમાણુઓ ઉત્પન્ન થાય છે તેની શું અસર થતી હશે તેવો વિચાર આવ્યો.શા માટે આવો વિચાર આવ્યો તે ખબર નથી પરંતુ આ વિષયમાં કંઈક કરવું જોઈએ કેવી લાગણી અંદરથી થવા લાગી. એ દરમિયાન કુદરતી હવનના રિસર્ચ માટે સંજોગો ઊભા થયા અને એક પછી એક ન ધારી હોય તેવી ઘટના બનતા હવન અંગેના રિસર્ચ પર કામ શરૂ થયું.’ આ શબ્દો છે અજમેર મેડિકલ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. વિજયલતા રસ્તોગીના. જેમણે ‘સ્ટડી ઓન એન્ટિ બેક્ટેરિયલ ઈફેક્ટ એન્ડ કેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ હવન સ્મોક’ એ વિષય પર રિસર્ચ કર્યું છે. હવન વિશે મેડિકલ ફિલ્ડમાંથી રિસર્ચ કરનાર તેઓ પ્રથમ છે.


તામિલનાડુના ત્રીચીમાં જન્મ અને ચેન્નઈમાં અભ્યાસ કર્યો.ધોરણ 10 બાદ અજમેર આવવાનું થયું. એમબીબીએસ કર્યા બાદ લગ્ન થયા. લગ્ન બાદ અનેક બદલાવ આવ્યા પરંતુ અંદર કંઈક ને કંઈક ચાલતું હોવાનું અનુભવ્યું. એક દીકરા અને દીકરીનો જન્મ થયો. મેડિકલ ફિલ્ડમાં કામગીરી ચાલુ જ હતી એ દરમિયાન આર્ય સમાજમાંથી એક સંન્યાસીને હવનના રિસર્ચ માટે મદદ કરવાનો પ્રસ્તાવ આવે છે જે તેઓ સહર્ષ સ્વીકારી લે છે આ બાબત તેઓ જણાવે છે કે, આ માટેના પ્લાન લખતી વખતે કોઈ લખાવતું હોય તેવો અનુભવ થયો. આ બધું એટલું જલદી થયું કે કોઈ અજ્ઞાત શક્તિ આ બધું કરાવી રહી હોય એવું લાગ્યું. શરૂઆત તો થઈ ગઈ પરંતુ લોકોને સમજાવવું અઘરું હતું કારણ કે હવન ધાર્મિક, આધ્યાત્મિક બાબત છે આમ છતાં હું તે કરવા મક્કમ હતી. રિસર્ચ વર્ક દરમિયાન હવન સામગ્રીના ઉપયોગ વિશે સ્વામીજીએ સમજાવ્યું આ ઉપરાંત બેક્ટેરિયા પર હવનના પરમાણુનો પ્રભાવ એ વિશે પણ અનેક ચર્ચા વિચારણા કરી એ સમયે પ્રયોગ પરથી સમજાયું કે હવનના કારણે નુકસાનકારક બેક્ટેરિયાની સંખ્યામાં અનેક ગણો ઘટાડો થાય છે. સામાન્ય રીતે મનુષ્યના શરીરનું સંતુલન બગડે છે ત્યારે બહારથી બેક્ટેરિયાનો હુમલો થાય છે જે બીમારી ઊભી કરે છે. જુદા-જુદા બેક્ટેરિયા શરીરમાં બીમારીને ફેલાવે છે. હવનમાંથી જે ધુમાડો નીકળે છે તે આ બીમારીમાં અનેક રીતે ફાયદાકારક હોય છે અને આ બાબત તેઓએ આયુષ મંત્રાલયને પણ પ્રપોઝલ મોકલી હતી. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડો. વિશ્વ મોહન કટોતચેને આ વિષય ગમ્યો તેઓએ આ બાબત માર્ગદર્શન આપ્યું અને મદદ પણ કરી.’


રિસર્ચની વાત કરતા તેણીએ જણાવ્યું કે, ‘રિસર્ચ માટે રાજસ્થાન ગવર્મેન્ટ દ્વારા 35થી 40 લાખ રૂપિયાનું ફંડ મળ્યું . આ રિસર્ચમાં કોપરવાળો હવન કુંડ તથા બીજી ચેમ્બર સ્મોક માટેની બનાવી બે વર્ષ સુધી સતત કામગીરી કરવામાં આવી હવનના ધુમાડાના સેમ્પલ લેવામાં આવ્યા તેને ટેસ્ટિંગ કરવામાં આવ્યું તેમાંથી વોટર એબસ્ટ્રેક, ઈથેનોલ એબસ્ટ્રેક વગેરે કાઢી 10 જુદા-જુદા બેક્ટેરિયા પર પ્રયોગ કર્યા જેમાં બેક્ટેરિયાની સંખ્યામાં 90%થી પણ વધારે ઘટાડો મળ્યો. ટીબી જેવી બીમારી પર પણ તેની ખૂબ સારી અસર થઈ છે. 2015માં તેમણે તેમના રીસર્ચની પેટન્ટ પણ લઇ લીધી છે. કારણ કે આ આપણા ઋષિમુનિઓની પરંપરા આપણી પાસે રહેવી જોઈએ.’

સમર્પણ ધ્યાન સંસ્કારમાં ચિત્તશુદ્ધિ માટે હવન થાય છે
પોતાની આધ્યાત્મિક યાત્રા બાબત જણાવ્યું કે, ‘હું 2008થી સમર્પણ ધ્યાન સંસ્કાર સાથે જોડાયેલી છું.સમર્પણ અને તેના પ્રણેતા પૂ.શ્રી શિવકૃપાનંદજી સાથે કંઈક પ્રારબ્ધ લખાયેલું છે. તેમની કૃપાથી અનેક પ્રકારની અનુભૂતિઓ થઈ છે. જે વિચાર આવે તે તરત જ થવા લાગે તેનો અનુભવ પણ કર્યો છે. સમર્પણ ધ્યાન સંસ્કારના આશ્રમ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે જ્યાં દરરોજ સવાર,સાંજ નિયમિત રીતે ચિત્તશુદ્ધિ હવન થાય છે, જે અંદરથી તમને શુદ્ધ કરે છે અને ધ્યાન સાધના માટે શરીર અને આત્માને તૈયાર કરે છે.’

હવન કરવાના ફાયદા
હવનના ફાયદા જણાવતા તેઓએ કહ્યું કે, ‘હવનના પરમાણુઓ બીમારીના કીટાણુંને મારી ઇમ્યુનિટી વધારે છે. ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ આપેલ આ અદ્દભુત વિજ્ઞાન છે. જેનાથી બીમારી ઠીક થાય તેવી ઔષધિની જો અગ્નિમાં આહુતિ આપવામાં આવે તો તે અનેક લોકોને લાભાન્વિત કરે છે.’ હવન સાથે જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે તેનાથી સાત ચક્ર પર અસર થાય છે.એક એક નાડી ખુલે છે અને સ્વાસ્થ્યલક્ષી લાભ થાય છે. પર્યાવરણ પર તેની ખૂબ સારી અસર થાય છે. હવનમાં ફક્ત સામગ્રી અને મંત્રોચ્ચારનું મહત્ત્વ નથી સાથે બેસીએ છીએ ત્યારે એકતા આવે છે, હવનમાં હોમ કરીએ છીએ ત્યારે ત્યાગનો ભાવ આવે છે,આંતરિક શુદ્ધિ પણ થાય છે. હવનની રાખમાંથી પ્યોર ફર્ટિલાઇઝર બને છે તે વૃક્ષ-છોડમાં ઉપયોગી છે તેમજ કોઈને વાગ્યું હોય તેમાં પણ વાપરી શકાય છે. તે પ્યોર ઇકો ફ્રેન્ડલી છે.

બહેનો દરરોજ નાનકડો હવન કરે તે ફાયદાકારક
બહેનોને હવન બાબત તેઓએ જણાવ્યું કે, ‘સામાન્ય રીતે બહેનો ઘરમાં ધૂપ,દીપ,પૂજન,અર્ચન કરતા હોય છે જો તેઓ નિયમિત રીતે નાનકડો હવન કરે તો સમગ્ર ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે. આ હવનમાં ભાવ ખૂબ જ મહત્ત્વનો છે અને બહેનોમાં ભાવનાત્મક પાસુ મજબૂત હોય છે તેથી જો બહેનો ઘરમાં નિયમિત હવન કરે તો ચોક્કસ ઘરનું વાતાવરણ દિવ્ય અને તેજસ્વી થઈ શકે. આ હવન માટે નાનકડા પાત્રમાં ફક્ત છાણાનો ટુકડો, કપૂર, અજમા ,જવ, ઘી વગેરેથી ફક્ત દસ મિનિટ આહુતિ આપવામાં આવે તો પણ અદ્દભુત પરિણામ મળે છે.’

written by: Bhavna Doshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version