ગુજરાત

સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ

Published

on


રાજકોટ સહિત ગુજરાતભરમાં આરટીઓની સેવા બે દિવસ માટે બંધ કરવામાં આવી છે જેના કારણે આરટીઓની ટેસ્ટીંગ ટ્રેક સહિતની લાયસન્સની કામગીરીને અસર પહોંચી છે. ડીઝીટલ ઈન્ડિયાની વાતો વચ્ચે ટેકનીકલ ખામીના કારણે રાજકોટ સહિત ગુજરાતભરમાં આરટીઓની ઓનલાઈન સેવાને અસર પહોંચી છે. સર્વરમાં આવેલા ટેકનીકલ ખામીના કારણે લાયસન્સ સંબંધી સેવાઓ ખોરવાઈ ગઈ છે. રાજકોટમાં દરરોજ આરટીઓ ખાતે 400 થી 500 અરજદારો આવે છે. બે દિવસ કામગીરી બંધ રહેવાના કારણે આરટીઓ સંબંધી કામ માટે આવેલા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.


ટેકનોલોજીની વાતો વચ્ચે ઓનલાઈન સેવાના મહત્તમ ઉપયોગની વાતો થતી રહે છે ત્યારે આર.ટી.ઓ.માં પારદર્શક ગૂડ ઈ-ગવર્નન્સના બદલે બેડ ગવર્નન્સનો અનુભવ લોકોને થયો છે. આજે સર્વર ઠપ્પ થતા આજે 17 અને આવતીકાલે 18ના લાયસન્સ સંબંધી સેવાઓ બંધ રાખવાની જાહેરાત થઈ છે જેના પગલે હજારો લોકોએ હેરાન થવું પડયું છે.


રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આરટીઓની આ સેવા ઠપ્પ થઈ ગઈ છે. સરકાર અનેક ઓનલાઈન સેવાઓ કેન્દ્રીય ધોરણે ચલાવે છે અને ખોટકો સર્જાયા પછી ટેકનોસેવી અફ્સરો તેને સમયસર પુન: કાર્યાન્વિત પણ કરી શકતા નથી. થોડા દિવસો પહેલા આ જ રીતે ટેસ્ટીંગ ટ્રેક અઠવાડિયા સુધી બંધ રહ્યા હતા અને લોકોએ પરેશાની વેઠવી પડી હતી. અન્ય સેવાઓમાં પણ સર્વર ધીમા પડવા કે બંધ પડવા જેવા પ્રશ્નો સર્જાતા હોય છે.
આ અંગે રાજકોટ આરટીઓનાં અધિકારી ખપેડના જણાવ્યા અનુસાર હાલ પુરતી બે દિવસ રાજકોટ આરટીઓની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જો સંભવત સાંજ સુધીમાં ટેકનીકલ ખામી દૂર થતાં સેવાઓ ફરી શરૂ થશે તો આવતીકાલે આરટીઓની તમામ કામગીરી પુરર્વત થઈ જશે તેવી શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version