Site icon Gujarat Mirror

ઉપલેટામાં બ્લેક મેઇલિંગ અને છેડતી કેસમાં વોન્ટેડ કથિત પત્રકારની અંતે ધરપકડ

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પત્રકાર અને RTI એક્ટિવિસ્ટના નામે ખોટી ઓળખ આપી સરકારી અધિકારીઓ, મહિલા કર્મચારીઓ અને આમ જનતાને બ્લેકમેઈલ કરી ખંડણી માંગતા આશિષ અશોકભાઈ લાલકિયાની ઉપલેટા પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા બે મહિનાથી પોલીસને થાપ આપી રહેલા આ શખ્સને ગણોદના પાટીયા પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે.

આ મામલે ધોરાજી ડિવિઝનના IPS અધિકારી અને ASP સિમરન ભારદ્વાજે એક વીડિયો સંદેશ દ્વારા આ શખ્સની ગુનાહિત કુંડળી ખોલી છે અને ભોગ બનનાર લોકોને નીડર બની સામે આવવા હાકલ કરી છે.
ASP સિમરન ભારદ્વાજના જણાવ્યા મુજબ, આરોપી આશિષ લાલકિયા વિરુદ્ધ અગાઉ સરકારી કચેરીઓમાં જઈને મહિલા કર્મચારીઓની છેડતી કરવી, તેમનો પીછો કરવો અને તેમને બિભત્સ શબ્દો કહી માનસિક ત્રાસ આપવાના ગંભીર ગુના નોંધાયા હતા. તે પોતાની ઓળખ એક વગદાર પત્રકાર તરીકે આપી મહિલાઓને દબાવતો અને બ્લેકમેઈલ કરતો હતો. આ ઉપરાંત, ખારચિયા ગામના સરપંચ અને તલાટીને RTI ની અરજીઓના નામે ડરાવી 2 લાખની ખંડણી માંગવાનો પણ તેની પર આરોપ છે.

આરોપી આશિષ લાલકિયા પત્રકારત્વના પવિત્ર વ્યવસાયનો ઉપયોગ હથિયાર તરીકે કરી લોકોને લૂંટવા, પજવણી કરવાનું કામ કરતો હતો. અનેક લોકો તેના ડરથી ફરિયાદ કરવા આગળ આવતા ન હતા. જોકે, પોલીસની સક્રિયતાને કારણે હવે આ શખ્સ જેલના સળિયા પાછળ છે. પોલીસે આરોપીની સઘન પૂછતાછ હાથ ધરી છે કે આ કામમાં તેની સાથે અન્ય શખ્સો સામેલ છે કે કેમ.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પત્રકાર કે RTI એક્ટિવિસ્ટ હોવાનો ડોળ કરી કોઈને પણ હેરાન કરનાર તત્વોને બક્ષવામાં આવશે નહીં. જે લોકો હજુ પણ આ શખ્સના ડરમાં છે તેમને કાયદાકીય રક્ષણ આપવાની જવાબદારી પોલીસે સ્વીકારી છે.

Exit mobile version