Site icon Gujarat Mirror

પોક્સો અને એટ્રોસીટી એક્ટના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

રાજકોટમાં રહેતી સગીરાને હવસખોર શખ્સે તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી. જે પોકસો અને એટ્રોસીટી એકટના ગુનામાં સંડોવાયેલા આરોપી સામેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સખ્ત સજા અને ભોગ બનનારને રૂા.7 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં રહેતા પરિવારની 17 વર્ષની સગીરાને આલાપ ગ્રીન સિટી પાસે આવેલ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં સંજય ધર્મેન્દ્રભાઈ કણજારીયા (ઉ.32)એ સગીરા અનુસુચિત જાતીની હોવાનું જાણવા છતાં સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી સંજય કણજારીયાએ સગીરાને પોતાના ઘરે બોલાવી સગીરાની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જે ઘટના અંગે સગીરાએ પોતાના પરિવારને આપવિતી વર્ણવતાં સગીરાની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં સંજય કણજારીયા વિરૂધ્ધ પોકસો અને એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં એસ.સી.એસ.ટી.સેલના મદદનીશ પોલીસ કમિશ્નર એસ.ડી.પટેલ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ રાજકોટની સ્પે.પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતાં ફરિયાદ પક્ષે કુલ 18 સાહેદો તપાસીને 16 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતાં.

તેમજ સરકારી વકીલ પ્રશાંત પટેલે આ કેસના સાહેદો અને પંચોના પુરાવાઓની કડીઓ મેળવી કેસમાં દલીલ કરી હતી કે ભોગ બનનારની જુબાની મુજબ આરોપીએ ભોગ બનનાર અનુસુચિત જાતિના હોવાનું જાણવા છતાં ભોગ બનનારના ભાઈને મારી નાખવાની ધમકી આપી ભોગ બનનાર ઉપર દુષ્કર્મ આચર્યુ છે. જે કેસમાં ભોગ બનનારની જુબાની મુજબ મેડીકલ રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ભોગ બનનાર અને આરોપીની મેડીકલ તપાસ કરનાર ડોકટરે પ્રોસીકયુશનના કેસને સમર્થન આપેલ છે.

ભોગ બનનારની જન્મ નોંધણી કરનાર તલાટી મંત્રીની જુબાની મુજબ ભોગ બનનાર સગીર વયની હોવાનું સ્પષ્ટ થાય છે. તેમજ સમાજ કલ્યાણ શાખાના નાયબ નિયામક જુબાની મુજબ ભોગ બનનાર અનુસુચિત જાતિના હોવાનું સાબિત થાય છે. સહિતની દલીલો અને રજુ કરેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ સ્પે.પોકસો કોર્ટના જજ વી.એ.રાણાએ પોકસો અને એટ્રોસીટી એકટના ગુનામાં આરોપી સંજય કણજારીયાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.2000નો દંડ તેમજ ગુજરાત વિકટીમકમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને રૂા.7 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી પક્ષે એ.પી.પી.પ્રશાંત પટેલ સહાયક તરીકે રાજન ટીંબા અને મુસ્કાન સમા રોકાયા હતાં.

Exit mobile version