જામનગરમાં આવતીકાલથી ત્રણ દિવસ એરફોર્સની કવાયત

જામનગર એરફોર્સ દ્વારા આવતીકાલ તા.17 થી 19 દરમિયાન ‘સહાયતા સેતુ કવાયત’ હાથ ધરવામાં આવનાર છે તે પૂર્વે જામનગરના આકાશમાં વાયુસેનાના મહાકાય સી-17 ગ્લોબ માસ્ટર અને…

જામનગર એરફોર્સ દ્વારા આવતીકાલ તા.17 થી 19 દરમિયાન ‘સહાયતા સેતુ કવાયત’ હાથ ધરવામાં આવનાર છે તે પૂર્વે જામનગરના આકાશમાં વાયુસેનાના મહાકાય સી-17 ગ્લોબ માસ્ટર અને મેડીકલ કીટ સાથે ચિનુક હેલીકોપ્ટર્સ દ્વારા રિહર્સલ અને મોકડ્રીલ કરવામાં આવતા લોકોમાં રોમાંચ સાથે આકર્ષણ ઉભું થયું છે.
આવતીકાલથી શરૂ થનાર ત્રણ દિવસની આ કવાયતમાં 19મીએ વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહે તેવી પુરી શકયતા છે. આ સિવાય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સહીત કેન્દ્રીય મંત્રીઓ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સંરક્ષણ દળોના વડાઓ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર હોય, તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ સહાયતા સેતુ કવાયત પહેલાં ગઇકાલેે જામનગરના આકાશમાં ભારતીય વાયુસેનાનું વિશાળકાય સી-17 ગ્લોબમાસ્ટર વિમાન નજરે પડતાં શહેરીજનોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. સામાન્ય વિમાનો કરતાં વિશાળ કદ અને વિશિષ્ટ દેખાવ ધરાવતા આ વિમાનને આકાશમાં ઉડતું જોઈને અનેક લોકોની નજર તેના તરફ સ્થિર થઈ ગઈ હતી.

ભારતીય વાયુસેનાના શક્તિશાળી પરિવહન વિમાન સી-17 ગ્લોબમાસ્ટરને ’આકાશનો દૈત્ય’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિમાન ભારે લશ્કરી સાધનો, વાહનો અને ટેન્ક સહિતના મોટા જથ્થાનું હવાઈ પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે. દેશની સંરક્ષણ વ્યવસ્થામાં આ વિમાનનું વિશેષ મહત્ત્વ છે.
આ ઉપરાંત ગઈકાલે એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે આકાશમાં ઉડતાં વિમાનો અને હેલિકોપ્ટર જોવા મળતાં હોય છે, પરંતુ સીએચ-47 ચિનૂક હેલિકોપ્ટર નીચે લાલ રંગના પ્લસ (+)ના નિશાનવાળું મેડિકલ બોક્સ લટકાવીને ઉડતું જોવા મળતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

આ દૃશ્ય કુદરતી આફત કે કટોકટીની પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરી શકાય તેનું પ્રાયોગિક નિદર્શન હોવાનું માનવામાં આવે છે. પૂર, ભૂકંપ કે અન્ય આપત્તિના સમયે રસ્તાઓ સંપર્કવિહોણા બની જાય અથવા અસરગ્રસ્ત વિસ્તારો સુધી વાહનો પહોંચી ન શકે તેવી સ્થિતિમાં હેલિકોપ્ટર મારફતે દવાઓ, તબીબી સાધનો અને આવશ્યક રાહતસામગ્રી પહોંચાડવાની કામગીરી અત્યંત મહત્ત્વની બની રહે છે.
જામનગરમાં આગામી તા. 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાનારી ‘સહાયતા સેતુ’ મેગા મોકડ્રિલના સંદર્ભમાં આકાશમાં જોવા મળેલું આ દૃશ્ય વિશેષ મહત્ત્વ ધરાવે છે.

આ મોકડ્રિલમાં કુદરતી આફત કે અન્ય કટોકટીની સ્થિતિમાં વિવિધ બચાવ અને રાહત એજન્સીઓ વચ્ચે સંકલન, તાત્કાલિક પ્રતિસાદ તથા અસરગ્રસ્ત વિસ્તારો સુધી જરૂૂરી સહાય પહોંચાડવાની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવનાર છે.