સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન કરતા માફિયાઓ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના સાયલા, મૂળી અને થાનગઢ તાલુકામાંથી પોલીસે વહેલી સવારે દરોડા પાડીને ખનીજ ચોરી સાથે સંકળાયેલા 42થી વધુ લોકોની અટકાયત કરી છે. આ શખસો સોશિયલ મીડિયા પર ડિજિટલ નેટવર્ક બનાવીને સરકારી અધિકારીઓની રેકી કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓ સરકારી કર્મચારીઓની ફરજમાં રૂૂકાવટ ઊભી કરવાનું આંતરરાષ્ટ્રીય સ્તર જેવું નેટવર્ક ચલાવતા હતા. આ માફિયાઓએ 10થી વધુ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા, જેમાં પોલીસ, ખાણ-ખનીજ વિભાગ અને અન્ય સરકારી અધિકારીઓની ગાડીઓ કઈ તરફ જઈ રહી છે તેના લાઈવ લોકેશન અને પળેપળની માહિતી શેર કરવામાં આવતી હતી.
અધિકારીઓની હિલચાલ પર નજર રાખવા માટે માત્ર ખનીજ ચોરો જ નહીં, પરંતુ હાઈવે પર આવેલી હોટલ, કરિયાણાની દુકાન અને પાનના ગલ્લાના સંચાલકોને પણ બાતમીદાર તરીકે રોકવામાં આવ્યા હતા, જેઓ પણ આ રેડમાં ઝડપાયા છે.
વહેલી સવારે પોલીસની અલગ-અલગ ટીમોએ ત્રાટકીને સાયલા, મૂળી અને થાનગઢ પંથકમાંથી આ તમામ શખસોને દબોચી લીધા હતા. અટકાયત કરાયેલા તમામ લોકોને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર એસપી (જઙ) કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે.
આ મામલે સાયલા પોલીસના જણાવ્યા અનુસાર, હાલ સમગ્ર કૌભાંડને લઈને સઘન તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપના એડમિન અને ડેટાની ચકાસણી પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે સાચી અને વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે. પોલીસે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોને પણ કડક શબ્દોમાં ચેતવણી આપી છે.
