પેટ્રોલ-ડીઝલમાં અઘોષિત રેશનીંગ સિસ્ટમ

ગુજરાતમાં ઠેર-ઠેર પેટ્રોલ પંપો ઉપર અચાનક લાંબી કતારો, રાત્રે 10 વાગ્યા બાદ મોટાભાગના પંપો બંધ દૈનિક 5000 લીટર પેટ્રોલ વેચાણની છૂટ ? કૃત્રિમ તંગી કે,…

ગુજરાતમાં ઠેર-ઠેર પેટ્રોલ પંપો ઉપર અચાનક લાંબી કતારો, રાત્રે 10 વાગ્યા બાદ મોટાભાગના પંપો બંધ

દૈનિક 5000 લીટર પેટ્રોલ વેચાણની છૂટ ? કૃત્રિમ તંગી કે, કંપનીઓમાંથી પુરવઠો ઓછો ?

વિશ્વમાં હાલ જે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેનાથી વૈશ્વિક અર્થતંત્ર ઉપર ખૂબ ખરાબ અસર પડી છે. ભારત પણ આ સ્થિતિમાંથી બાકાત રહ્યું નથી. હાલ ભારતની અર્થવ્યવસ્થાને પણ ઘણી ખરી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે હાલ પેટ્રોલ ડીઝલમાં અઘોષિત રેશનીંગ સિસ્ટમ જાણે લાગુ કરી દેવામાં આવી હોય તેવી સ્થિતિએ નિર્માણ પામ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં ઠેર ઠેર પેટ્રોલ પંપ ઉપર અચાનક લાંબી લાઈનો જોવા મળી હતી અને રાત્રે 10:00 વાગ્યા બાદ મુખ્યત્વે જે મોટાભાગના પંપ છે તે બંધ થઈ જતા હોય છે. દૈનિક 5000 લીટર પેટ્રોલ વેચાણની છૂટ આપવામાં આવી છે કે ડીલરો દ્વારા કૃત્રિમ તંગી ઊભી કરવામાં આવી છે તે અંગે હાલ અનેકવિધ સવાનો ઉઠી રહ્યા છે .

બીજી તરફ કંપનીઓમાંથી પણ પુરવઠો ઓછો આવતો હોય તેવું જાણકાર વર્તુળો કઈ રહ્યા છે. સત્ય હકીકત શું છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે ઉદ્યોગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ રાજ્યમાં ઠેર ઠેર અપૂરતા જથ્થાના કારણે ઘણી ખરાબ અસર પડી રહી છે . માત્ર ઉદ્યોગો જ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિને પણ ભારે હેરાનગતિ અને મુશ્કેલીનું સામનો કરવો પડી રહ્યો છે.

ઉના
ઉના શહેર અને તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી ડીઝલ, પેટ્રોલ અને ગેસની ઇરાદાપૂર્વકની કૃત્રિમ અછત ઉભી કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. વાવણી અને ખેડની મહત્વની સિઝનમાં જ ખેડૂતોને ડીઝલ ન મળતા ખેતીકામ ખોરવાઈ ગયું છે, જ્યારે બીજી તરફ કાળા બજારમાં મોટા પાયે ડીઝલનો જથ્થો બારોબાર વેચાઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, ઉના નજીક આવેલા એક હોન્ડા શોરૂૂમની બાજુના ડેલામાં મોટા પાયે ગેરકાનૂની રીતે ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

વહેલી સવારના સમયે ખાનગી લક્ઝરી બસોમાં આ જગ્યાએથી ગેરકાયદેસર ડીઝલ ભરવામાં આવતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. શું આ બાયો ડીઝલનો કાળો કારોબાર છે કે પછી પંપ પરથી જ બારોબાર જથ્થો સગેવગે થાય છે? આ ગંભીર સવાલો હવે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. ભરડીયા વિસ્તારમાં ગેરકાનૂની રીતે ચાલતી રેતી અને ખનિજની ખાણોમાં ડીઝલથી ચાલતા મોટા મશીનો ધમધમી રહ્યા છે. જ્યારે સામાન્ય ખેડૂતને 10 લિટર ડીઝલ માટે પણ પંપ પર કલાકો લાઈનમાં ઊભું રહેવું પડે છે, ત્યારે આ ગેરકાયદે ખાણો માટે અવિરત ડીઝલ નો જથ્થો ક્યાંથી આવે છે? શું આ જથ્થો કાળા બજાર નો છે? આ દિશામાં તંત્ર દ્વારા સઘન તપાસ થાય તેવી માંગ ઉઠી છે.

પાટડી પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટતા, મીઠાનાં ઉત્પાદન પર અસર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં આવેલા તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે. મોડી રાતથી વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડીઝલની અછતને કારણે કચ્છના નાના રણમાં 3 લાખ મેટ્રિક ટન મીઠા પર સંકટ તોળાઈ રહ્યું છે. હાલમાં મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ડીઝલ વગર ટ્રકો સહિતના સાધનો અટવાઈ પડ્યા છે. ભારતના કુલ મીઠા ઉત્પાદનનો 76% હિસ્સો ગુજરાતમાં પાકે છે, જેમાંથી 35% મીઠું એકમાત્ર કચ્છના નાના રણમાં ઉત્પન્ન થાય છે. અત્યાર સુધીમાં અંદાજે 80% એટલે કે 12 લાખ મેટ્રિક ટન મીઠાની આવક ખારાઘોડા ગંજે થઈ ચૂકી છે. ડીઝલ ન મળતા બાકીના 3 લાખ મેટ્રિક ટન મીઠાના પરિવહન પર અસર પડી છે. ડીઝલ ન મળવાને કારણે વાહનચાલકોને દૂરના ગામોમાં ડીઝલ ભરાવવા જવું પડ્યું હતું. રણ વિસ્તારમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે ચાલુ સીઝને ડીઝલની અછત સર્જાતા મીઠાના વેપારીઓ અને અગરિયા સમુદાયમાં ચિંતા વ્યાપી છે.

હળવદમાં પેટ્રોલ પંપ ઉપર કેરબા સાથે લોકોની લાઈન

ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓની અંદર ડીઝલની રામાયણ શરૂૂ થઈ ગઈ છે ત્યારે હવે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત રહ્યો નથી. હળવદના સુંદરગઢ ગામ પાસે આવેલ પેટ્રોલ પંપે રવિવારે વહેલી સવારથી ખેડૂતો દ્વારા ડીઝલ મેળવવા માટે થઈને પેટ્રોલ પંપ ઉપર કેરબાની લાઈનો લગાવવામાં આવી હતી તો પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી ત્યારે જો ખેડૂતોને ખેતી માટે ડીઝલ ન મળે તો ખેતી કેવી રીતે કરવી તેવો પ્રશ્ન ઉભો થયો છે. મોરબી જિલ્લામાં સીરામિક સહિતના ઉદ્યોગો અને ખેતી મોટા પ્રમાણમાં છે ત્યારે ઉદ્યોગમાં કાચો માલ તથા તૈયાર માલને લાવવા લઈ જવા માટે ટ્રક, ડમ્પર, લોડર, ટ્રેલર સહિતનો વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જોકે, તેમાં પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો મળતો નથી તેવી ઘણા ટ્રાન્સ્પોર્ટરો દ્વારા અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી. પેટ્રોલ પંપ ઉપરથી પૂરતા પ્રમાણમાં ડીઝલ કરવામાં આપવામાં આવતુ નથી આવા સંજોગોમાં ખેડૂતો ખેતી કેવી રીતે કરશે તેવો સવાલ તેમણે સરકારને કર્યો હતો અને વહેલી તકે તમામ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે તેવી માંગ કરી હતી.

ગાંધીધામમાં ઉદ્યોગકારોની આર્થિક ચીસ: હપ્તા ચડતા, વાહનોના પૈડા થંભ્યા

ગાંધીધામમાં છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે, એસોશિએશન દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખીને આ ગંભીર સ્થિતિ અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. પૂરતું ઈંધણ ન મળવાના કારણે જિલ્લાની આશરે 50 ટકા ટ્રકોના પૈડાં થંભી ગયા છે અને માલિકોએ નાછૂટકે પોતાના કરોડો રૂૂપિયાના વાહનોને યાર્ડમાં લાઈનબદ્ધ રીતે બંધ કરીને મૂકી દેવા પડ્યા છે. એક તરફ રોજગાર ઠપ્પ છે અને બીજી તરફ બેંક લોનના હપ્તા ચાલુ હોવાથી ટ્રાન્સપોર્ટરો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. આ ચિત્ર વર્તમાન ઈંધણ કટોકટી અને સપ્લાય ચેઈનની લાચારીનો જીવંત પુરાવો છે.