એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થનાર રાજકોટના પ્રથમ મહિલા એથ્લિટ દેવયાનીબા ઝાલાની ખેલ મહાકુંભથી શરૂ થયેલ સફર પહોંચી છે એશિયન ગેમ્સના દ્વારે
2028માં ઓલિમ્પિકમાં ક્વોલિફાઇડ થવાનું સ્વપ્ન જોતા દેવયાનીબા ઝાલા રાજકોટના રમતગમતના ઇતિહાસમાં લખે છે નવો અધ્યાય
2018ની સાલમાં હિંમતનગરમાં ખેલ મહાકુંભ સ્પર્ધા હતી.જુદી જુદી રમતો માટે ખેલાડીઓ પોતાનું હિર ઝળકાવવા આવી પહોંચ્યા હતા.ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા સરિતા ગાયકવાડ પણ ત્યાં 200 મી.રમત માટે આવ્યા હતા.એ સમયે તેઓ એશિયન ગેમ્સ માટે માટે ક્વોલિફાઈ થયા હતા.જુનિયર ખેલાડીઓ તેમનાથી પ્રભાવિત હતા.તેમાં એક ખેલાડી રાજકોટની પણ હતી.સરિતા ગાયકવાડને જોઈને તેના મનમાં પણ સંકલ્પ જન્મ્યો કે હું પણ એમની જેમ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીશ અને મેડલ અપાવીશ.આજે એ સ્વપ્નને તેણે અવિરત મહેનત,શિસ્ત અને આત્મવિશ્વાસ વડે સાકાર કર્યું છે.
રાજકોટના એ ખેલાડી એટલે હાલમાં એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થનાર રાજકોટના પ્રથમ મહિલા એથ્લિટ દેવયાનીબા ઝાલા.માઇક્રો સેક્ધડના અંતરે જીત-હાર નક્કી થતી એથ્લેટિક્સની દુનિયામાં રાજકોટની આ દીકરીએ પોતાના પરસેવાના દરેક ટીપાને સિદ્ધિમાં ફેરવી છે. ખેલ મહાકુંભથી શરૂૂ થયેલી સફર આજે એશિયન ગેમ્સના દ્વાર સુધી પહોંચી છે અને આ સફરે રાજકોટના રમતગમતના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે.
તેમનો જન્મ અને અભ્યાસ રાજકોટમાં થયો. પિતા મહેન્દ્રસિંહ ઝાલા અને માતા જ્યોતિબા ઝાલા.ધો.5 થી 12 સુધીનો અભ્યાસ કલ્યાણ હાઈસ્કૂલમાં કર્યો અને હાલ મહિલા કોલેજમાં બી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.નાનપણમાં પિતાજી રાજકોટ એથ્લેટીક ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે લઈ જતાં.ક્રિકેટ રમતી વખતે ત્યાંના કોચ રાવલ સરે દેવયનીબાને સ્પ્રિન્ટ કરતા જોયા અને સ્ટાર પ્લેયર બનવાનું ભવિષ્ય ભાખ્યું. પિતાજીને મળીને જણાવ્યું કે દીકરીને એથ્લેટીક્સમાં જોડો એ ખૂબ આગળ વધશે.તેઓની વાત માનીને તેમની તાલીમ શરૂૂ થઈ.શાળામાં હતા ત્યારે 100મી. અને 200 મીટરની દોડમાં ખેલ મહાકુંભમાં ભાગ લેવાનું શરૂૂ કર્યું.સતત પાંચ વર્ષ સુધી ખેલ મહાકુંભમાં ચેમ્પિયન રહ્યા. વિશાખાપટ્ટનમ, કેરલા, ભુવનેશ્વર, રાંચી સહિત ભારતના અનેક શહેરોમાં રમત માટે ગયા છે.
જ્યારે પણ બહારગામ જવાનું થાય ત્યારે ટિકિટ બુકિંગ કરવી,રહેવા,જમવાની વ્યવસ્થા તેમજ દીકરીને ઓછામાં ઓછી તકલીફ પડે તેનો પિતાજી ખ્યાલ રાખે છે. અનેક વખત સંઘર્ષો અને મુશ્કેલીનો પણ સામનો કર્યો છે આ બાબત પિતા મહેન્દ્રસિંહ ઝાલા જણાવે છે કે મહેનત વિના કંઈ મળતું નથી. કંઇકે મેળવવું હોય તો ત્યાગ કરવા તૈયાર રહેવું પડે.
અત્યારે મિત્રો,પરિવારજનો બધાનો સાથ છે.અમને આશા છે કે દીકરી ખૂબ આગળ વધશે અને પરિવાર તથા દેશનું નામ રોશન કરશે.દીકરીએ પણ તેમના વિશ્વાસને સાચો સાબિત કર્યો છે.એશિયન ગેમ્સમાં ક્વોલિફાઇ થવું એ કોઈ નાની વાત નથી આ બાબત દેવયાનીબા જણાવે છે કે રમત અને અભ્યાસ બંને સાથે કરવું અઘરું છે. સવાર-સાંજ નિયમિત પ્રેક્ટિસ અને ત્યાર બાદના સમયમાં અભ્યાસ થતો. આ માટે કોલેજના પ્રોફેસર, મિત્રો, પરિવારજનો દરેકનો સહયોગ છે.એશિયન ગેમ્સમાં સિલેક્શન માટે સ્ટેટમાં સિલેક્શન થયેલ હોવું જોઈએ, નેશનલ ગેમ્સમાં ગયા પછી એશિયન ગેમ્સ માટે સિલેક્શન હોય છે,જેમાં ત્રણ ઇન્ડિયન સિરીઝ રમવાની હોય છે.
અને એક સ્ટેટ રમેલ હોય ત્યારે ક્વોલિફાય માટે પ્રયત્ન કરી શકે.જુલાઈ 2025 માં વર્લ્ડ યુનિવર્સિટી જર્મનીમાં જવાનું થયું તે ખરેખર યાદગાર હતું. ત્યાંની આધુનિક ટ્રેક, રમતને અનુકૂળ વાતાવરણ, શિસ્તબદ્ધ તાલીમ પદ્ધતિ અને ખેલાડીઓની જીવનશૈલીમાંથી ઘણું શીખવા મળ્યું. રમતમાં માત્ર પ્રેક્ટિસ જ નહીં, પરંતુ યોગ્ય આહાર, સમયનું આયોજન અને માનસિક તૈયારીનું પણ એટલું જ મહત્વ છે તે સમજાયું પોતાની સફળતાનું શ્રેય માતા,પિતા તથા કોચ અર્જુન અજયને આપે છે.
હાલ દેવયાનીબાનું સંપૂર્ણ ફોકસ ઓગસ્ટમાં યોજાનારી વર્લ્ડ કન્ટિનેન્ટલ ટૂર અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ જીતવા પર છે. વર્ષ 2028ના ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થઈ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું તેમનું સૌથી મોટું સ્વપ્ન છે.તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ખેલ મહાકુંભથી શરૂ થયેલ સફળતાના સોપાન
વર્ષ 2025માં જર્મનીના રાઇન-રૂૂહર ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 4X400 મીટર મિક્સ્ડ રિલેમાં ચોથું અને 4X400 મીટર મહિલા રિલેમાં પાંચમુ સ્થાન પ્રાપ્ત કર્યું.એ જ વર્ષે ચેન્નાઈ ખાતે સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર મહિલા દોડમાં 53.37 સેક્ધડના સમય સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો તેમજ દેહરાદૂન ખાતે નેશનલ ગેમ્સમાં 400 મીટર દોડમાં 54.44 સેક્ધડના સમય સાથે કાંસ્ય ચંદ્રક મેળવ્યો. ” વર્ષ 2026માં ભુવનેશ્વર ખાતે સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર મહિલા દોડમાં 53.46 સેક્ધડના સમય સાથે કાંસ્ય ચંદ્રક મેળવ્યો. ” ઓક્ટોબર 2024માં પટના ખાતે યોજાયેલી નેશનલ ઓપન અંડર-23 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર દોડમાં 53.53 સેક્ધડના સમય સાથે સુવર્ણ ચંદ્રક અને નેશનલ ઓપન અંડર-23 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલા વિભાગના બેસ્ટ એથ્લિટ ઓફ ધ ચેમ્પિયનશિપનો એવોર્ડ પ્રાપ્ત કર્યો.એ જ વર્ષે બેંગલુરુ ખાતે સિનિયર નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર દોડમાં 53.87 સેક્ધડના સમય સાથે રજત ચંદ્રક મેળવ્યો.ભુવનેશ્વરના KIIT ખાતે ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સ સ્પર્ધામાં 400 મીટર દોડમાં 54.33 સેક્ધડના સમય સાથે કાંસ્ય ચંદ્રક અને મે મહિનામાં સિનિયર ફેડરેશન કપમાં 200 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો.

